શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ(કલમ) 35A પર રાજકીય ધમાસાણ ચાલી રહી છે. પંચાયત અને નગરપાલિકા ચૂંટણી બહિષ્કાર કરવાના નિર્ણય બાદ હવે નેશનલ કૉંગ્રેસ (એનસી) પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર અનુચ્છેદ 35A પર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો અમે લોકસભા અને વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું.
અબ્દુલ્લાએ કહ્યું કે, “અનુચ્છેદ 35A અને અનુચ્છેદ 370 પર જો કેન્દ્ર સરકાર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો અમે પંચાયતની ચૂંટણી જ નહીં લોકસભા અને વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું.”
ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બરે ફારુક અબ્દુલ્લાએ એલાન કર્યું હતું કે, તેની પાર્ટી નેશનલ કોન્ફ્રેન્સ પંચાયત ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર અનુચ્છેદ 35A પર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે અને તેની રક્ષા માટે પ્રભાવી પગલું નહીં ઉઠાવે. ત્યાં સુધી અમારી પાર્ટી નગરપાલિકા અને પંચાયત ચૂંટણી નહીં લડે.
નેશનલ કૉંફ્રેન્સ બાદ જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. પાર્ટીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અનુચ્છેદ 35A પર પોતાનું વલણ સ્પષ્ટ કરે.
સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટે અનુચ્છેદ 35A ને પડકાર આપતી અરજી પર સુનાવણી સ્થગિત કરી દીધી હતી કારણ કે કેન્દ્ર સરકાર આ મામલે જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણી બાદ વિચાર કરવાની માંગ કરી હતી. આઠ તબ્બકામાં યોજાનારી ચૂંટણી ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે.