જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે પિતાની તેમના સગીર બાળકોનું ભરણપોષણ કરવાની કાયદાકીય અને નૈતિક જવાબદારી છે, પછી ભલે તેની માતા નોકરી કરતી હોય. જસ્ટિસ સંજય ધરની હાઈકોર્ટની બેન્ચે વધુમાં કહ્યું હતું કે માતા કામ કરતી હોવાનો અર્થ એ નથી કે પિતા તેમના બાળકોનું ભરણપોષણ કરવાની જવાબદારીમાંથી મુક્ત થાય છે.


કોર્ટે આ અવલોકન એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન કર્યું હતું, જેણે કહ્યું હતું કે તેની પાસે તેના સગીર બાળકોના ભરણપોષણ કરવા માટે પુરતી આવક નથી. તે વ્યક્તિએ એવી પણ દલીલ કરી હતી કે તેનાથી અલગ રહેતી તેની પત્ની એક વર્કિગ વુમન છે જેની પાસે બાળકોની સંભાળ રાખવા માટે પૂરતી આવક છે. જોકે કોર્ટે તેમની દલીલ ફગાવી દીધી હતી.


કોર્ટે કહ્યું હતું કે , "પ્રતિવાદીઓ (નાના બાળકો)ના પિતા હોવાના કારણે અરજદારની તેમની સંભાળ રાખવાની કાયદાકીય અને નૈતિક જવાબદારી છે. એ સાચું છે કે નાના બાળકોની માતા વર્કિગ વુમન છે અને તે પોતે પણ આવક મેળવે છે. પરંતુ તે અરજદારના પિતા હોવાના કારણે પોતાના બાળકોનું ભરણપોષણ કરવાની કાયદાકીય અને નૈતિક જવાબદારીમાંથી મુક્તિ મળી શકે નહીં. એટલા માટે અરજીકર્તાનો એ તર્ક છે કે પ્રતિવાદીઓની માતા નોકરી કરે છે એટલા માટે તેમને ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપી શકાય નહી તે નિરાધાર છે.


તેમણે વધુમાં દલીલ કરી હતી કે બાળકોની માતા એક સરકારી શિક્ષિકા છે અને તેમને સારો પગાર મળે છે. આવી સ્થિતિમાં બાળકોના ભરણપોષણની જવાબદારી તેમના એકલા પર મુકી શકાય નહી. કોર્ટ સમક્ષ એક વ્યક્તિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેણે મેજિસ્ટ્રેટ કોર્ટના તેમના ત્રણ બાળકોમાંથી પ્રત્યેક માટે ભરણપોષણ તરીકે 4,500 રૂપિયા ચૂકવવાના આદેશને પડકાર્યો હતો. અરજદારે ભરણપોષણના આદેશને પડકાર્યા બાદ સેશન્સ કોર્ટે તેને ફગાવી દીધો હતો.


અરજદારે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમની માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે અને તેના માટે તેના બાળકોના ભરણપોષણ માટે 13,500 રૂપિયા ચૂકવવા શક્ય નથી, ખાસ કરીને જ્યારે તેણે તેના બીમાર માતા-પિતાની પણ કાળજી લેવી પડે. જો કે, હાઈકોર્ટે કહ્યું કે અરજદારે ટ્રાયલ કોર્ટ સમક્ષ કોઈ પુરાવા રજૂ કર્યા નથી કે તે દર મહિને ફક્ત 12000 રૂપિયા કમાય છે. બીજી તરફથી કહેવામાં આવ્યું હતું કે અરજીકર્તા એક યોગ્ય એન્જિનિયર હતો જેણે અગાઉ વિદેશમાં પણ કામ કર્યું હતું.