સુપ્રીમ કોર્ટે ગઈકાલે બંધારણની કલમ 142 હેઠળ તેના વિશેષાધિકારનો ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે દલિત ના હોય તેવી મહિલા અને દલિત પુરુષ વચ્ચેના લગ્નને રદ્દ કરી દીધા છે. કોર્ટે આ સાથે પતિને તેના સગીર બાળકો માટે અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર મેળવવાનો આદેશ પણ આપ્યો છે, જેઓ તેમની માતા સાથે છેલ્લા છ વર્ષથી રહે છે.


જસ્ટિસ સૂર્યકાન્ત અને ઉજ્જલ ભુઇયાંની બેન્ચે જૂહી પોરિયાની જાવલકર અને પ્રદીપ પોરિયાને છૂટાછેડા આપતાં કહ્યું હતું કે દલિત ન હોય તેવી મહિલા લગ્નના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયની બની શકે નહીં પરંતુ અનુસૂચિત જાતિના પુરુષથી જન્મેલા તેના પુત્રને અનુસૂચિત જાતિના લાભ મળી શકે છે.


દલિત વ્યક્તિ સાથે લગ્ન કરવાથી જાતિ બદલાતી નથી.


સુપ્રીમ કોર્ટે અનેક નિર્ણયોમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે અને 2018માં એક નિર્ણય પણ આપ્યો હતો કે જન્મથી જાતિ નક્કી કરવામાં આવે છે અને અનુસૂચિત જાતિ (સમુદાય)ની વ્યક્તિ સાથે લગ્ન કરીને જાતિ બદલી શકાતી નથી.


બાળકોને SC ક્વોટાના અધિકારો મળશે


નોંધનીય છે કે 11 વર્ષનો પુત્ર અને છ વર્ષની પુત્રી છેલ્લા છ વર્ષથી રાયપુરમાં તેમના દાદા-દાદીના ઘરે દલિત ના હોય તેવી મહિલા સાથે રહે છે. આ સાથે કોર્ટે બંને બાળકો માટે SC જાતિનું પ્રમાણપત્ર મેળવવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને નોકરીના હેતુસર બાળકોને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે.


પિતા પણ ટ્યુશન ફી ચૂકવશે


જસ્ટિસ કાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે પતિને કહ્યું હતું કે તે સંબંધિત સત્તાવાળાઓનો સંપર્ક કરે અને છ મહિનામાં બંને બાળકો માટે એસસી પ્રમાણપત્રો પ્રાપ્ત કરે. કોર્ટે કહ્યું કે તે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તેના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે, જેમાં એડમિશન અને ટ્યુશન ફી તેમજ ખાવા અને હેવાના ખર્ચનો સમાવેશ થાય છે.


કોર્ટે એમ પણ કહ્યું હતું કે મહિલા અને બાળકોના આજીવન ભરણ પોષણ માટેની રકમ સિવાય પુરુષે આ રકમ આપવી પડશે. મહિલાને તેના પતિ પાસેથી 42 લાખ રૂપિયા એકસાથે મળશે.


ક્રોસ FIR રદ


આ સિવાય પતિ રાયપુરમાં પોતાની જમીનનો એક પ્લોટ પણ મહિલાને આપશે. રસપ્રદ વાત એ છે કે, બેન્ચે અલગ થયેલા દંપતિ વચ્ચેના કરારમાં એક જોગવાઈને પણ લાગુ કરી દીધી છે  જેના હેઠળ પતિએ આવતા વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં મહિલા માટે વ્યક્તિગત ઉપયોગ માટે ટુ-વ્હીલર ખરીદવું પડશે.


બેન્ચે એકબીજા સામે દાખલ કરાયેલી ક્રોસ એફઆઈઆરને પણ રદ કરી હતી. સુપ્રીમ કોર્ટે મહિલાને સમયાંતરે બાળકોને તેમના પિતા સાથે મળવા દેવા, રજાઓ પર લઈ જવા અને તેમની વચ્ચે સારા સંબંધો જાળવવાનો નિર્દેશ આપ્યો હતો.