Manish Sisodia Feedback Unit Case:  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે હવે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફીડબેક યુનિટ જાસૂસી કેસમાં સીબીઆઈને કેસ ચલાવવાની મંજૂરી આપી છે. મનીષ સિસોદિયા પર રાજકારણીઓ, વિપક્ષી પાર્ટીઓ અને મીડિયાકર્મીઓની જાસૂસી કરવાનો આરોપ છે. ભાજપના નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ભાજપનું કહેવું છે કે હવે મનીષ સિસોદિયા ટૂંક સમયમાં તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈન સાથે હશે.






દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયાની તપાસના આદેશ આપ્યા છે. પુરાવા મળી રહ્યા છે કે કેજરીવાલ અને સિસોદિયાએ વિપક્ષ, તેમની પાર્ટીના નેતાઓ, પીએસી સભ્યો, એકબીજાના પરિવારના સભ્યોની જાસૂસી કરી હતી. મિશ્રાએ કહ્યું, "સિસોદિયા પર ભ્રષ્ટાચારનો આ ચોથો કેસ છે. ટૂંક સમયમાં સિસોદિયા સત્યેન્દ્ર જૈનની સાથે હશે."




ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હરીશ ખુરાનાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં જે જાસૂસીનો મામલો સામે આવ્યો હતો, હવે એવા સમાચાર છે કે ગૃહ મંત્રાલયે CBIને કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. ભાજપ તેનું સ્વાગત કરે છે.


'અમે આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો'


હરીશ ખુરાનાએ કહ્યું હતું કે "ભાજપ ઘણી વખત આ મુદ્દો ઉઠાવી રહ્યું છે કે કેવી રીતે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ એક યુનિટ બનાવ્યું, કેમેરા ખરીદવામાં આવ્યા અને તેની અંદર તમામ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ઘણા મીડિયા સંસ્થાઓના અધિકારીઓની જાસૂસી કરવામાં આવી.


AAPનો વળતો પ્રહાર


આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવા બદલ ભાજપની ટીકા કરી હતી. ભારદ્વાજે કહ્યું કે તેમના હરીફોને ખોટા કેસમાં ફસાવવાની તેમની આદત છે, આ કેસ ખોટો છે. તેમણે કહ્યું હતું કે અદાણીએ લાખો કરોડોની ઉચાપત કરી છે, પરંતુ તે આમ આદમી પાર્ટીને ખોટા કેસમાં ફસાવા માંગે છે.