આંધ્રપ્રદેશના વિજયવાડામાં સ્વર્ણા પેલેસ હોટલમાં જોરદાર આગ લાગી હતી. આ હોટલના કોવિડ સેન્ટરમાં 40 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓને રાખવામાં આવ્યા હતાં. જેમાંથી 7 દર્દીઓના મોત નિપજ્યાં હતાં. અંદાજે 30 જેટલા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. આગ લાગતાં જ દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં હજુ પણ મૃત્ય આંક વધે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલાં આગ લાગી હતી.


આંધ્રપ્રદેશના વિજયવાડાની હોટલના કોવિડ સેંટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ફાટી નીકળતાં કોરોનાની સારવાર લેતાં 7 દર્દીઓના મોત નિપજ્યાં હતાં જ્યારે 30 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતાં. આગ લાગતાં જ હોસ્પિટલમાં ફાળવવામાં આવેલ કોવિડ સેન્ટરમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી જ્યારે ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મહત્વની વાત એ છે કે, બચાવી લેવામાં આવેલા દર્દીઓને સારવાર માટે નજીકની રમેશ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. ફાયર ફાયટર્સ હજુ પણ આગ પર કાબૂ મેળવી રહ્યાં છે જ્યારે દર્દીઓને બચાવવાની કામગીરી પણ હજુ ચાલુ છે.