જમ્મુ: અમરનાથની યાત્રા શ્રદ્ધાળુઓનું પહેલુ જૂથ રવાના, સુરક્ષાની કડક વ્યવસ્થા
abpasmita.in | 01 Jul 2016 03:11 AM (IST)
જમ્મુ: આજથી અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. શુક્રવારે સવારે જમ્મુથી શ્રદ્ધાળુઓનું પ્રથમ ગ્રુપ શ્રીનગરથી રવાના થયું છે. હવામાન યોગ્ય રહ્યું તો આ ગ્રુપ આવતી કાલે સવારે તેઓ અમરનાથના દર્શન કરી શકશે. અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી જમ્મુ પહોંચેલા આ ભક્તોમાં મહિલાઓ અને બાળકો પણ છે. હંમેશની જેમ આ વખતે પણ આતંકવાદીઓએ આ વખતે પણ યાત્રામાં બાધા નાખવાની કોશિશ કરી છે. થોડા દિવસોમાં કશ્મીરથી ઘૂસણખોરી પણ વધી રહી છે. જેથી યાત્રાળુઓ પર જોખમ વધી ગયુ છે. આતંકી ખતરાથી સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તા છે. એક બાલટાલથી અને બીજો પહલગામ થઈને જાય છે. બાલટાલથી પવિત્ર ગુફાનો રસ્તો 14 કિમીનો છે. જ્યારે પહલગામનો રસ્તો 51 કિમીનો છે. યાત્રીઓ બાલટાલથી ડોમેલ બરારી થઈને બાબા બર્ફાનીની પવિત્ર ગુફા સુધી પહોંચે છે. જ્યારે પહલગામના યાત્રીઓ ચંદનવાડી, પિસ્સુ ટોપ, શેષનાગ અને પંજતરની થઈને ગુફા સુધી પહોંચે છે. આ બંને રસ્તે પૂરતી સુરક્ષા રાખવામાં આવી છે. યાત્રીઓ પ્રશાસન અને પોલીસની કામગીરીથી ખુશ છે.