શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શ્રીનગર સેક્ટરમાં પ્રથમ વખત કોઈ મહિલા અધિકારીને સીઆરપીએફની કમાન સોંપવામાં આવી છે. મહિલા આઈપીએસ અદિકારી ચારૂ સિન્હાને સીઆરપીએફના ઈન્સપેક્ટર જનરલ પદ પર તૈનાત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરનો આ વિસ્તાર આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાંથી એક છે.


ચારૂ સિન્હા 1996 બેચના તેલંગણા કેડરના અધિકારી છે. આ પ્રથમ વખત નથી કે ચારૂ સિન્હાને કોઈ મુશ્કેલ ટાસ્ક સોંપવામાં આવ્યો હોય, આ પહેલા તેઓ બિહાર સેક્ટર સીઆરપીએફમાં નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં આઈજી પર પર કામ કરી ચૂક્યા છે.

બિહારમાં ચારૂ સિન્હાની આગેવાનીમાં ઘણા એન્ટી-નક્સલ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યા છે. બાદમાં તેમની ટ્રાન્સફર જમ્મુ કરી દેવામાં આવી હતી, જ્યા તેમણે સીઆરપીએફના આઈજી તરીકે પોતાની સેવા આપી. હવે સોમવારે તેમને શ્રીનગરના આઈજી તરીકે તૈનાત કરવામાં આવ્યા છે.

શ્રીનગર સેક્ટરની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી, પરંતુ ચારૂ સિન્હા પહેલા અત્યાર સુધીમાં આ સેક્ટરમાં આઈજી સ્તર પર કોઈ મહિલા અધિકારીને નથી તૈનાત કરવામાં આવ્યા. અહી સીઆરપીએફને ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ સાથે કામ કરવાનું હોય છે.

સીઆરપીએફના મુજબ, શ્રીનગર સેક્ટર અંતર્ગત જમ્મુ કાશ્મીરના ત્રણ જિલ્લા બડગામ, ગાંદરબાલ અને શ્રીનગર અને કેંદ્ર શાસિત પ્રદેશ લદાખ સુધીમાં ઓપરેશન્સ પરિચાલન અધિકાર સામેલ છે.