ભારે વરસાદથી હાહાકાર, બિહાર-આસામ અને યુપીમાં પુર કારણે 70 લોકોના મોત, કેરાલામાં રેડ એલર્ટ
abpasmita.in | 17 Jul 2019 09:51 AM (IST)
કેરાલામાં પણ ભારે વરસાદના કારણે સરકારે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે
નવી દિલ્હીઃ બિહાર અને આસામમાં પુરનો કહેર યથાવત રહ્યો છે, બન્ને રાજ્યોમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઇ છે, અને અત્યાર સુધી લગભગ 70 લોકોના મોત થઇ ચૂક્યા છે, આ સંખ્યા હજુ પણ વધી શકે છે. બીજીબાજુ કેરાલામાં પણ ભારે વરસાદના કારણે સરકારે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. બિહારમાં એનડીઆરએફની 19 ટીમો પુર પીડિતોને બચાવવામાં લાગી છે. પુરથી 16 જિલ્લાના લગભગ 25.71 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. અધિકારીઓ અનુસાર નેપાલમાં ભારે વરસાદ પડવાથી બિહારની હાલત કફોડી બની છે, મોટા પ્રમાણમાં નદીઓમાં પાણી છોડવાના કારણે બિહારમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. વળી આસામમાં પણ ભારે વરસાદથી 33 જિલ્લા પુરની ઝપેટમાં આવી ગયા છે અને 17થી વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 45 લાખથી વધુ લોકો ઘર વિહોણા બન્યા છે. ઉત્તરપ્રદેશમાં પુર અને વરસાદના કારણે 14 લોકોના મોત થયા છે. સીએમ યોગીએ પીડિતોને યોગ્ય મદદ માટે કામ શરૂ કર્યુ છે. હાલમાં ચાર-ચાર લાખ રૂપિયાનુ વળતર આપવાનો આદેશ કરી દીધો છે. કઇ નદીઓમાં વરસાદથી પુર આવ્યુ.... બિહારની કોસી, ગંડક, બાગમતી નદીઓ વરસાદથી ગાંડીતુર બની છે, પુર આવવાથી અનેક ગામે તણાયા છે.