નવી દિલ્હીઃ આજે રાજ્યસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે અમૃત કાળ પર ટિપ્પણી કરતા વિપક્ષી સાંસદોએ કહ્યું હતું કે આ અમૃત કાળ નહીં પણ રાહુ કાળ છે. જેના પર પલટવાર કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલનો સમય છે ત્યાં સુધી પાર્ટીનો રાહુનો સમયગાળો ખત્મ નહીં થાય.






બજેટ પર ચર્ચા દરમિયાન જ્યારે નિર્મલા સીતારમણ સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા ત્યારે તેમણે 'અમૃત કાળ' શબ્દ પર ટિપ્પણી કરી હતી. જેના પર કોગ્રેસના સાંસદોએ કહ્યું કે આ રાહુ કાળ છે, અમૃત કાળ નથી. તેનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રાહુ કાળ ચોક્કસપણે તમારી પાર્ટી માટે થઈ શકે છે કારણ કે જ્યાં સુધી રાહુલ કોંગ્રેસ પાર્ટીમાં રહેશે ત્યાં સુધી આ રાહુ કાળ ખતમ થવાનો નથી. આ દરમિયાન નાણામંત્રીએ કોંગ્રેસ પાર્ટી અને તેની નીતિઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.






નાણામંત્રીના હુમલા બાદ બીજેપીના અન્ય ઘણા નેતાઓએ પણ રાહુલ કાલ અને રાહુ કાલ પર વળતો પ્રહાર કર્યો હતો. બીજેપી સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે રાહુ કાળનું પરિણામ છે કે કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ છે કે દેશની સૌથી જૂની અને સૌથી મોટી પાર્ટી આજે ઉત્તર પ્રદેશમાં 10 સીટો પણ જીતી શકશે. સુશીલ મોદીએ કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ કાળ રહેશે ત્યાં સુધી કોંગ્રેસની હાલત સુધરી શકશે નહીં.


ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા આ પલટવાર પર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ શાસક પક્ષમાં રાહુલ ગાંધી પ્રત્યેનો ડર દર્શાવે છે. વડાપ્રધાનથી માંડીને ભાજપના નેતાઓ રાહુલ ગાંધી પર એટલા માટે જ પ્રહારો કરી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધી સતત સરકાર અને તેના નેતાઓને સવાલો પૂછે છે. ગોહિલે કહ્યું કે, ભાજપના નેતાઓ સારી રીતે જાણે છે કે રાહુલ ગાંધી દ્ધારા ઉઠાવવામાં આવતા આ પ્રશ્નોમાંથી સરકાર અને તેના મંત્રીઓનું સત્ય બહાર આવી રહ્યું છે, તેથી જ ભાજપના તમામ નેતાઓ રાહુલ ગાંધી પર આવી રીતે ટિપ્પણી કરી રહ્યા છે.