ચારા કૌભાંડ: લાલૂ પ્રસાદ યાદવને મળ્યા જામીન, પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jul 2019 03:57 PM (IST)
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. દેવઘર કોષાગાર મામલામાં અડધી સજા પૂર્ણ થઈ હોવાનો આધાર બનાવી લાલૂ યાદવ તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
રાંચી: રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. દેવઘર કોષાગાર મામલામાં અડધી સજા પૂર્ણ થઈ હોવાનો આધાર બનાવી લાલૂ યાદવ તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા રાંચી હાઈકોર્ટે લાલૂ પ્રસાદ યાદવને 50-50 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે લાલૂ યાદવને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ચારા કૌભાંડ મામલે ગત 5 જૂલાઈના સુનાવણી થઈ હતી, પરંતુ લાલૂ યાદવને રાંચી હાઈકોર્ટમાંથી રાહત નહોતી મળી. લાલૂ યાદવે જામીન માટે અરજી દાખલ કરી હતી, જેના પર હાઈકોર્ટે સુનાવણી કરતા આગામી તારીખ 12 જૂલાઈ નક્કી કરી હતી. લાલૂ યાદવ ચારા કૌભાંડમાં રાંચીની એક જેલમાં બંધ છે. આ વર્ષે 29 મેના રાંચીની એક વિશેષ કોર્ટે કરોડો રૂપિયાના ચારા કૌભાંડ મામલામાં 16 આરોપીઓને દોષીત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને ત્રણથી ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સીબીઆઈની વિશેષ કોર્ટે લાલૂ પ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રાને આ મામલામાં 2013માં દોષીત ઠેરવ્યા હતા. સીબીઆઈએ બાદમાં 16 અન્ય વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કર્યા હતા. જેમાંથી 14 ચારાની સપ્લાઈ કરતા હતા અને બે સરકારી અધિકારી હતા.