પટનાઃ ચારા કૌભાંડ મામલે સજા કાપી રહેલા આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે આજે વિશેષ સીબીઆઈ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટે થોડી રાહત આપતાં તેમના ખરાબ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી હોસ્પિટલમાં જ સારવાર કરવાની મંજૂરી આપી છે. લાલુ 10 એપ્રિલથી પેરોલ પર બહાર હતા.

સરેન્ડર કરતાં પહેલા લાલુએ કહ્યું કે, અમે કોર્ટના ફેંસલાનું સન્માન કરીએ છીએ. હોસ્પિટલમાં રહેવાની અરજી અંગે તેણે કહ્યું કે, મેં એવી કોઈ માંગણી કરી નથી. સરકાર ઈચ્છે ત્યાં રાખે. લાલુ યાદવ છેલ્લા થોડા દિવસોથી બીમાર છે અને તેમની સારવાર ચાલી રહી છે.

રાંચી હાઇકોર્ટમાં સરેન્ડર કરવાના આદેશ પહેલા તેઓ મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ભરતી હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ 25 ઓગસ્ટે તેઓ પટના આવ્યા હતા. બુધવારે તેઓ પટનાથી રાંચી આવ્યા હતા.

ઝારખંડ હાઇકોર્ટે લાલુ યાદવના જામીન વધારવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેમને 30 ઓગસ્ટ સુધી સરેન્ડર કરવા કહ્યું હતું.