નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેબિનેટની બેઠકમાં મોંઘવારીને જોતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દરેક કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 2 ટકા વધારી દેવામાં આવ્યું છે. હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવી રહ્યું છે. જોકે 2 ટકાના વધારા પછી હાલ કેન્દ્રીય કર્મચારીઓને મળનારું મોંઘવારી ભથ્થુ 9 ટકા થઈ જશે.
મોંઘવારી ભથ્થામાં જે વધારો છે, આ વધારો સાતમાં વેતન આયોગમાં નક્કી કરેલ ફોર્મ્યૂલાના હિસાબે થશે. આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પછી હવે એક જુલાઇથી આ નિર્ણય લાગુ કરાશે. દેશભરમાં 48 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ છે. આ ઉપરાંત 61 લાખથી વધારે પેન્શનર્સ છે.
આ પહેલા કેન્દ્રીય મંત્રીમંડળએ મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો હતો. આ જ વર્ષે માર્ચમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ વધેલા દરો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા હતાં. મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે.