નવી દિલ્લી: ભારતે પાકિસ્તાનના હાઈકમિશ્નર અબ્દુલ બાસિતને એક વાર ફરી નોટીસ આપી અને તેમને 18 સપ્ટેબરે થયેલા ઉરી હુમલા સાથે જોડાયેલા પુરાવા સોંપ્યા હતા. વિદેશ સચિવ એસ જયશંકરે બાસિતને જણાવ્યું કે ઉરી હુમલામાં આતંકીઓને ઘૂસણખોરી કરાવવામાં ગાઈડની ભૂમિકા ભજવનાર બે પાકિસ્તાનીઓને સ્થાનીક ગ્રામવાસીઓએ 21 સપ્ટેબરે પકડ્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રમાણે 20 વર્ષનો ફૈઝલ હસૈન જવાન અને 19 વર્ષનો યાસીન ખુર્શીદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદના રહેવાસી છે. બન્નેની પોલીસ હાલ ધરપકડ કરી છે. તેમની સાથે પુછપરછના આધારે ઠાર મરાયેલા ચાર આતંકીઓમાંથી એકની ઓળખાણ કરી લેવામાં આવી છે. તેનું નામ હાફિઝ અહમદ હતું અને તે મુઝફ્ફરાબાદનો રહેવાસી હતો. તેના સિવાય 23 સપ્ટેબરે અબ્દુલ કય્યૂમ નામના પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી. જે સિયાલકોટનો રહેવાસી છે. તેને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબામાં ત્રણ મહિનાની ટ્રેનિંગ લીધી હોવાની વાત કબૂલ કરી છે.
સાથે ભારતે આતંકીઓના હેડલરના રૂપમાં મોહમ્મદ કબીર અવાન અને બશરતની ઓળખ કરી છે. તેના સાથે જોડાયેલા પુરાવા પણ બાસિતને સોંપવામાં આવ્યા છે. વિદેશ સચિવે પાકિસ્તાની હાઈકમિશ્નરને એ પણ કહ્યું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન તરફથી થઈ રહેલા સતત આતંકી હુમલા હવે સેહવામાં નહીં આવે.