Amarnath Yatra 2022: અમરનાથ યાત્રા આજથી ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ પહેલગામ બેઝ કેમ્પ પહોંચ્યા છે. બે વર્ષ બાદ શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 43 દિવસ સુધી ચાલશે. આજથી શરૂ થયેલી યાત્રા 11 ઓગસ્ટે પૂરી થશે. 7-8 લાખ ભક્તો દર્શન કરે તેવી અપેક્ષા છે.


દરરોજ 10 હજાર ભક્તો દર્શન કરશે


પહેલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી દરરોજ 10-10 હજાર ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા જશે. આતંકવાદી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થળ પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) એ પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.


રાજ્યપાલે પ્રથમ બેચને રવાના કરી


જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે જમ્મુ બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી હતી. 4,890 તીર્થયાત્રીઓનો સમાવેશ કરતી પ્રથમ ટુકડી બુધવારે સવારે 4 વાગ્યે 176 વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી નીકળી હતી અને કાફલા તરીકે કાશ્મીર ખીણ તરફ રવાના થઈ હતી.


નોંધનીય છે કે વર્ષ 2019 માં, સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદને ધ્યાનમાં રાખીને યાત્રાને અધવચ્ચે સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, વર્ષ 2020 અને 2021 માં કોવિડ -19 રોગચાળાને કારણે, યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ન હતું.


માત્ર ચકાસાયેલ યાત્રાળુઓ જ યાત્રા (Amarnath Yatra 2022)માં જોડાય તેની ખાતરી કરવા માટે, SASBએ અમરનાથ યાત્રાના ઉમેદવારોને આધાર અથવા અન્ય બાયોમેટ્રિક પ્રમાણિત દસ્તાવેજો સાથે રાખવા જણાવ્યું છે. ડ્રોન અને આરએફઆઈડી ચિપ્સ પણ યાત્રાળુઓની સુરક્ષા માટે ત્રણ સ્તરીય સુરક્ષાનો ભાગ છે.