નવી દિલ્હી: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડીએ ચાર વર્ષ બાદ કૉંગ્રેસમાં ઘર વાપસી કરી છે. એન કિરણ કુમારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રવક્તા રણદીપ સૂરજેવાલા અને કૉંગ્રેસના આંધ્રપ્રદેશના પ્રભારી ઓમન ચાંડીની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે. રેડ્ડીએ 2014 લોકસભા ચૂંટણી પહેલા આંધ્રપ્રદેશના ભાગલાના વિરોધમાં કૉંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપતા રાજીનામું આપી દીધું હતું અને નવી પાર્ટી બનાવી હતી.


તત્કાલિન મુખ્યમંત્રી રેડ્ડી આંધ્ર પ્રદેશથી અલગ તેલંગણા રાજ્ય બનાવવાને લઈને કેન્દ્રની પોતાનીજ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. જો કે ભારે વિવાદ બાદ પણ કૉંગ્રેસની તત્કાલિન યૂપીએ સરકારે તેલંગણાને અલગ રાજ્યનો દરજ્જો આપ્યો હતો. જેના કારણે રેડ્ડી સહિત પાર્ટીના કેટલાક નેતાઓએ પાર્ટીથી નાતો તોડી દીધો હતો.
કૉંગ્રેસમાં  સામેલ થયા બાદ રેડ્ડીએ કહ્યું, “હું ખુશ છું આજે કૉંગ્રેસમાં મારી વાપસી થઈ છે, હું કૉંગ્રેસથી અલગ નથી રહી શકતો. મારો પરિવાર અને મારી પાર્ટીની ઓળખ કૉંગ્રેસના કારણે છે.

હવે અલગ રાજ્યનો મુદ્દો પૂર્ણ થઈ ગયો છે પરંતુ વિધાનસભા ચૂંટણી પહેલા આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જાની માંગ ઊઠી રહી છે. સત્તારૂઢ તેલગુ દેશમ પાર્ટી(ટીડીપી), વાઈએસઆર કૉંગ્રેસ અને કૉંગ્રેસ આંધ્ર પ્રદેશનને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનીં માંગ કરી રહ્યાં છે. જ્યારે કેન્દ્રની મોદી સરકારે તમામ પ્રકારની આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે. પરંતુ વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈનકાર કરી દીધો છે.

વિશેષ રાજ્યના દરજ્જાની માંગે હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. વાઈએસઆર કૉંગ્રેસ પ્રમુખ જગમોહન રેડ્ડી રાજ્યભરની યાત્રા કરી રહ્યા છે. ટીડીપી કેન્દ્રની મોદી સરકારથી અલગ થઈ ગઈ છે. એન કિરણ કુમાર રેડ્ડી શરૂઆતથી જ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતા આવ્યા છે. હવે એકવાર ફરી કૉંગ્રેસમાં વાપસીથી સ્પષ્ટ થઈ ગયું છે કે કૉંગ્રેસ રેડ્ડીના સહારે એકવાર ફરી ચૂંટણીમાં મજબૂતીથી ઊતરશે.