Former Brigadier Sudhir Sawant On Helicopter Crash: બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ  CDS જનરલ બિપિન રાવતનું નિધન થયું. આ  દુર્ઘટનામાં તેમના પત્ની અને અન્ય  11 લોકોના પણ મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટના બની, હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 13 લોકોના મોત થયા છે જ્યારે એક ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહની સેનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


કાવતરાની આશંકા, NIA પાસે તપાસની માંગ
બુધવારે સમગ્ર દેશમાં આ સમાચારને લઈ હોબાળો મચી ગયો હતો. દરમિયાન હવે આ ઘટનામાં ષડયંત્રની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે હેલિકોપ્ટર દુર્ઘટના કેસમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ અકસ્માત નથી પરંતુ કાવતરું હતું. LTTના સ્લીપર સેલ આની પાછળ હોઈ શકે છે કારણ કે જ્યાં અકસ્માત થયો છે તે વિસ્તાર LTTનો જ વિસ્તાર છે. પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે આ ઘટનાની NIA દ્વારા તપાસની માંગ કરી છે.


વાયુસેનાએ આપ્યા તપાસના આદેશ


દુર્ઘટના બાદ એરફોર્સે તપાસના આદેશ આપ્યા હતા. હવે વાયુસેના તેના સ્તરે દુર્ઘટનાના કારણની તપાસ કરી રહી છે. જો કે આ દુર્ઘટના કેવી રીતે થઈ અને તેની પાછળ કોઈ કાવતરું છે કે કેમ તે અંગે એરફોર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. આપને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવત વેલિંગ્ટન (નીલગીરી હિલ્સ) સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ (DSSC) જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી, જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના હતા.


જનરલ બિપિન રાવત એરફોર્સના Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતા જે ક્રેશ થયું હતું. તેમની સાથે તેમના પત્ની પણ હતા.  વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે DSSC ના ડાયરેક્ટીંગ સ્ટાફ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એસસી  આ અકસ્માતમાં ઘાયલ થયા છે અને હાલમાં તેઓ વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાયુસેનાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, "તે ખૂબ જ દુઃખ સાથે પુષ્ટિ કરવામાં આવે છે કે હેલિકોપ્ટરમાં સવાર જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત અને અન્ય 11 લોકોના દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ થયા છે."


સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાવત અને અન્યોને લઈને હેલિકોપ્ટર સવારે 11:48 વાગ્યે નજીકના કોઈમ્બતુરના સુલુર એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી અને 45 મિનિટ પછી ઉધગમમંડલમના DSSC, વેલિંગ્ટન ખાતે ઉતરવાનું હતું. તેમણે જણાવ્યું કે દુર્ઘટના બપોરે 12.22 વાગ્યે થઈ હતી. અગાઉ, સીડીએસ એમ્બર એરક્રાફ્ટ દ્વારા સવારે 11.34 વાગ્યે દિલ્હીથી એરફોર્સ બેઝ પહોંચ્યા હતા.