નવી દિલ્હીઃ સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર અને મણિપુર તથા નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અશ્વિની કુમારે બુધવારે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.. પૂર્વ અધિકારી તેમના શિમલા સ્થિત બ્રોંકોહર્સ્ટમાં તેમના નિવાસ સ્થાને લટકતી હાલતમાં મળી આવ્યા હતા તેમ ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટ કર્યું હતું.

શિમલના એસપી મોહિત ચાવલાએ જણાવ્યું, મણિપુર અને નાગાલેંડના પૂર્વ રાજ્યપાલ તથા સીબીઆઈના પૂર્વ નિર્દેશક અશ્વિની કુમાર શિમલામાં તેમના નિવાસ સ્થાને ફાંસીના ફંદે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેઓ છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં પણ હતા.

સુસાઈડ નોટમાં અશ્વિની કુમારે લખ્યું કે, જિંદગીથી કંટાળીને આગામી યાત્રા પર નીકળી રહ્યો છું. અશ્વિની કુમાર ઓગસ્ટ 2006 થી જુલાઈ 2008 સુધી હિમાચલ પ્રદેશના ડીજીપી પદે રહ્યા હતા. જે બાદ તેમને સીબીઆઈના ચીફ બનાવાયા હતા. આ પદ પર અશ્વિની કુમાર 2 ઓગસ્ટ 2008 થી 30 નવેમ્બર 2010 સુધી રહ્યા હતા.



જે બાદ તેમને મણિપુરના રાજ્યપાલ બનાવાયા હતા. આ પદ પર તેઓ જુલાઈ 2013 થી ડિસેમ્બર 2013 સુધી રહ્યા હતા.