નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ આવતીકાલે(ગુરુવારે) સવારે 11 વાગ્યે રાજ્યસભાના સભ્ય તરીકેના શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા હતા. શપથગ્રહણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.




ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46મા ચીફ જસ્ટિસ બનેલા ગોગોઇનો કાર્યકાળ લગભગ 13 મહિનાનો રહ્યો હતો. તેઓ 17 નવેમ્બરના રોજ નિવૃત થયા હતા. તેમણે ગયા વર્ષે 9 નવેમ્બરના રોજ રામ મંદિર પર ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો.

આ સિવાય રંજન ગોગોઇને ચીફ જસ્ટિસની ઓફિસને આરટીઆઇના દાયરામાં લાવવા, રાફેલ ડીલ, શબરીમાલા મંદિર અને સરકારી જાહેરાતોમાં નેતાઓની તસવીર પ્રકાશિત કરવા પર પ્રતિબંધ જેવા મામલા પર ચુકાદો આપવા માટે હંમેશા યાદ રાખવામાં આવશે.

જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સભ્ય નોમિનેટ કરવામાં આવે છે. સભ્ય જુદાં-જુદાં ક્ષેત્રોની કોઈ પણ ક્ષેત્રની હસ્તીઓ હોય શકે છે.