નવી દિલ્હીઃ દિલ્હીની ત્રણ વખત મુખ્યમંત્રી રહી  ચૂકેલી શીલા દીક્ષિતના નિધન બાદ રવિવારે દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ, ધારાસભ્ય અને વરિષ્ઠ સંઘ સહયોગી માંગે રામ ગર્ગનું નિધન થયું છે. તે બીમાર હતા અને ઉત્તર દિલ્હીના એક્શન બાલાજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે સવારે સાડા સાત વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. લોકસભા ચૂંટણી અગાઉ ભાજપની ચૂંટણી રણનીતિ બનાવવા અને ચૂંટણી પ્રચારને આગળ વધારવા વડાપ્રધાન મોદીએ દિલ્હી ભાજપના નેતાઓને મહત્વની જવાબદારી સોંપી હતી જેમાં રામ ગર્ગનું નામ પણ સામેલ હતું.

એક સમયે કંદોઇ રહેલા માંગે રામ ગર્ગે 2003માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર જીત મેળવી હતી અને ધારાસભ્ય બન્યા હતા. લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસ વિરુદ્ધ ભાજપને મજબૂત કરવા માટે રામ ગર્ગે મહત્વની જવાબદારી નિભાવી હતી. તેમણે સામાજિક અને સ્વયંસેવી સંગઠનો સાથે સંપર્ક કરીને તેમના સુધી નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ અને પાર્ટીની નીતિઓ પહોંચાડવા માટે બનાવવામાં આવેલી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ગર્ગને ડાયરી લખવાનો શોખ હતો. તેઓ દરરોજ ડાયરી લખતા હતા. કહેવામાં આવે છે કે ગર્ગમાં ચૂંટણી જીતવાની અદભૂત કળા હતી. તેઓ રાજકીય જીવનમાં ઓછી ભૂલો કરતા હતા. તેમણે દિલ્હીમાં એમસીડી ચૂંટણીનું નેતૃત્વ કર્યુ હતુ અને જીત પણ અપાવી હતી.