દેશમાં કોરોના રસીકરણનો આંકડો 50 કરોડને પાર થઈઆ ગયો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં શુક્રવારે 43.29 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. જેમાં બાદ દેશમાં અત્યાર સુધીમાં 50 કરોડ ત્રણ લાખ 48 હજાર 866 કોરોના રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી.


પ્રધાનમંત્રીએ ટ્વિટરના માધ્યમથી ખુશી વ્યક્ત કરતા લખ્યું કે કોરોના સામેની લડાઈમાં ભારતે આજે વધુ એક નવું શિખર પ્રાપ્ત કર્યું છે. કોરોના રસીમાં દેશે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ આંકડાને આગળ વધારતા આપણે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આપણા નાગરિકોને સૌને રસી, વિનામૂલ્યે રસી કાર્યક્રમ હેઠળ તેનો લાભ મળે.






તો ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને લખ્યું કે મોદીજીના નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા કોવિડ રસીકરણ અભિયાનમાં આજે 50 કરોડનો આંકડો પાર કરીને નવો કિર્તીમાન સ્થાપ્યો છે. આટલા મોટા દેશમાં આટલા ઓછા સમયમાં આટલુ વ્યાપક રસીકરણ દરેક દેશવાસીઓના જીવનની સુરક્ષા પ્રત્યે મોદીજીની સંવેદનશીલતાને દર્શાવે છે.


સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્વિટ કરીને લખ્યું કે ભારતમાં 10 કરોડના આંકડાને પ્રાપ્ત કરવા માટે 85 દિવસ લાગ્યા. જ્યારે આગલા 45 દિવસમાં 20 કરોડનો આંકડો પાર થઈ ગયો છે. જ્યારે 29 દિવસ બાદ 30 કરોડના આંકડા પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, દેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 18થી 44 વયજુથના એક કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.