લખનઉઃ નરેન્દ્ર મોદી સાથે વરસો લગી કામ કરનારા અને મોદીની નજીક મનાતા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી એ. કે. શર્માને ભાજપે ઉત્તર પ્રદેશમાં મોટી જવાબદારી સોંપી છે. ભાજપે શર્માને પ્રદેશ ઊપપ્રમુખ બનાવી દીધા છે. શર્માનો મંત્રીમમંડળમાં સમાવેશ થવાની અટકળો હતી પણ હવે તેમને સંગઠનમાં લઈ જવાતાં આ અટકતળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
આ ઉપરાંત અર્ચના મિશ્રા અને અમિત વાલ્મિકીને પણ મોટી જવાબદારી સોંપીને પ્રદેશ મંત્રી બનાવાયા છે. છેલ્લા કેટલાક સમયથી એ.કે. શર્માને ઉત્તર પ્રદેશમાં મંત્રી બનાવાશે તેવી અટકળો થતી હતી. શર્માને સોંપાયેલી જવાબદારી પરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે, શર્માને યોગી મંત્રીમંડળમાં હમણાં નહી લેવાય.
ભાજપ પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરી હતી. આ જાહેરાતોમાં પ્રાંશુદત્ત દ્વિવેદી (ફરુખાબાદ)ને યુવા મોરચા, રાજ્યસભાના સાંસદ શ્રીમતિ ગીતાશાક્ય (ઔરૈયા)ને મહિલા મોરચા, કામેશ્વર સિંહ (ગોરખપુર)ને ખેડૂત મોરચા, પૂર્વ સાંસદ નરેન્દ્ર કશ્યપ (ગાઝિયાબાદ)ને પછાત વર્ગ મોરચાના પ્રમુખ છે. સાંસદ કૌશલ કિશોરને અનુસૂચિત જનજાતિ મોરચા અને કુંવર બાસિત અલિ (મેરઠ)ને લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવાયા છે.એ.કે. શર્માને આ વર્ષની શરૂઆતમાં કોરોના સામેની લડાઈ પર નિરિક્ષણ રાખવા માટે વડાપ્રધાન મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીમાં મોકલાયા હતા.
ભાજપે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં નેતૃત્વ પરિવર્તનનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. સૂત્રોએ કહ્યું હતું કે ભાજપ ઉત્તર પ્રદેશની ચૂંટણી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અને સ્વતંત્ર દેવ સિંહના પ્રદેશ પ્રમુખ તરીકેના માર્ગદર્શનમાં લડશે.ભાજપે એ.કે. શર્માને તાજેતરમાં જ એમએલસી બનાવ્યા હતા.
અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાનના વિશ્વાસુ મનાય છે. તેઓ વર્ષ 2001થી 2020 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી અધિકારી તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય અને ત્યાર પછી વડાપ્રધાન કાર્યાલયમાં પણ કાર્યરત રહ્યા હતા. તેમણે બે વર્ષ પહેલાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.