કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની નજરકેદ ખત્મ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે નજરકેદ ખત્મ કરવાનો આદેશ આપ્યો હતો. કલમ 370 હટ્યા બાદથી એટલે કે પાંચ ઓગસ્ટથી ફારુક અબ્દુલ્લાને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં 15 સપ્ટેમ્બરથી તેમને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમની અટકાયત ત્રણ મહિના વધારવા માટે આદેશ આપવામાં આવ્યા હતા
વાસ્તવમાં ફારુક અબ્દુલ્લાએ પાંચ ઓગસ્ટથી હાઉસ અરેસ્ટ કરાયા હતા. પરંતુ સરકારે તેમના વિરુદ્ધ ગયા વર્ષએ 15 સપ્ટેમ્બરના રોજ પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. બાદમાં તેમને ત્રણ મહિના માટે નજરકેદ કરાયા હતા. ત્રણ મહિનાનો સમય 15 ડિસેમ્બરના રોજ ખત્મ થવાનો હતો જેના બે દિવસ અગાઉ એટલે કે 13 ડિસેમ્બરથી તેમની નજરકેદ ત્રણ મહિના સુધી વધારી દીધી હતી. હવે તેમની નજરકેદ ખત્મ કરવાનો નિર્ણય લીધો છે.
ફારુક અબ્દુલ્લા સિવાય તેમના દીકરા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તી, આઇએએસ અધિકારીથી નેતા બનેલા શાહ ફૈઝલ સહિત અનેક નેતાઓ પર પીએસએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.