નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવી દેવામાં આવી છે અને હવે તેમને માત્ર ઝેડ+ સુરક્ષા આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, સુરક્ષાને લઈ નિર્ણય સંપૂર્ણ પણે પ્રોફેશનલ આધાર પર કરવામાં આવ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે, નક્કી સમય બાદ સુરક્ષા વ્યવસ્થાનો રિવ્યુ કરવામાં આવ્યો છે. આ સામાન્ય પ્રક્રિયા છે અને તેના અંતર્ગત જ સુરક્ષા ઘટાડવાનો કે વધારવાનો નિર્ણય લેવાય છે.

મનમોહન સિંહને ઝેડ+ સુરક્ષા મળતી રહેશે પરંતુ અત્યાર સુધી તેમને એસપીજી સુરક્ષા મળતી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, હાલની સુરક્ષા કવર રિવ્યૂ નક્કી સમય પર થનાર નિયમિત વ્યવસ્થા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા રિવ્યુ અને ખતરાની આશંકાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને ઝેડ+ સિક્યોરિટી મળતી રહેશે.

એસપીજી સુરક્ષા હવે દેશમાં માત્ર 4 લોકોની પાસે જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથો સાથ આ સુરક્ષા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના દીકરા રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધીને મળી રહી છે. સામાન્ય રીતે ખતરાની આશંકા કે સુરક્ષાની સ્થિતિને જોતાં વડાપ્રધાનના પરિવારને પણ એસપીજી સુરક્ષા આપવાની જોગવાઈ છે.