જયપુર: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે રાજસ્થાનથી સર્વાનુમતે રાજ્યસભા સદસ્ય તરીકે ચૂટાયા છે. રાજસ્થાનમાં 26 ઓગસ્ટે રાજ્યસભા માટે પેટા ચૂંટણી યોજાવાની હતી, પરંતુ મનમોહન સિંહના વિરોધમાં કોઈ અન્ય નેતા દ્વારા નામાંકન દાખલ કરવામાં નહી આવતા તેમનુ ચૂંટાવુ નક્કી છે.


રાજસ્થાનના મુખ્યમંત્રી અને કૉંગ્રેસના નેતા અશોક ગહલોતે આજે મનમોહન સિંહને ટ્વિટ કરી શુભેચ્છા આપી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું, હું પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહને રાજસ્થાનથી રાજ્યસભા સદસ્ય તરીકે કોઈપણ વિરોધ વગર ચૂંટાવાથી શુભેચ્છા પાઠવું છું. રાજસ્થાનમાંથી ડૉ મનમોહન સિંહનુ ચૂંટાવુ સમગ્ર પ્રદેશ માટે ગર્વની વાત છે. તેમના વિશાળ જ્ઞાન અને સમૃદ્ધ અનુભવથી રાજસ્થાનના લોકોને ખૂબ લાભ થશે.




ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે ટ્વિટ કરી કહ્યું, રાજસ્થાનથી રાજ્યસભા સદસ્ય તરીકે કોઈપણ વિરોધ વગર ચૂંટાતા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહજીને હાર્દિક શુભેચ્છા. આપના અનુભવના કારણે પ્રદેશને લાભ થશે. આજે અમે બધા પ્રદેશવાસીઓ તમને પ્રતિનિધિના રૂપમાં જોઈ ગૌરવ અનુભવીએ છીએ.

મનમોહનસિંહ આસમથી રાજ્યસભા સભ્ય હતા અને તેમનો કાર્યકાળ ગત 14 જૂને પૂરો થયો હતો. તેઓ 1991થી 2019 સુધી રાજ્યસભા સાંસદ રહ્યા છે. રાજસ્થાન રાજ્યસભા બેઠક મનમોહન સિંહ માટે સુરક્ષિત માનવામાં આવતી હતી.