નવી દિલ્હી: લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી જોકે આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. આ સમાચાર મળતાં ભાજપના નેતાઓ એઈમ્સ પહોંચી ગયા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ભાજપના મહિલા નેતા સુષ્મા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા હતાં.


નોંધનીય છે કે, પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ડોક્ટોરના જણાવ્યા પ્રમાણે, અરૂણ જેટલીની કાર્ડિક ન્યૂરો સેન્ટરના વોર્ડમાં ભર્તી કરવામાં આવ્યા હતાં.

નોંધનીય છે કે, અરૂણ જેટલી છેલ્લા બે વર્ષની બિમાર હતાં. ગત વર્ષે જેટલીએ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યાબાદ જેટલીના ડાબા પગમાં સોફ્ટ ટિશૂ કેન્સર થયું હતું. જેની સર્જરી માટે તેઓ આ વર્ષેજ જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા.


અરૂણ જેટલી નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણામંત્રી રહી ચુક્યા છે. જોકે, નાદુરસ્ત હોવાના કારણે તેઓ લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં અંતરિમ બજેટ રજુ કરી શક્યા નહતા. નાદુરસ્ત તબિયતના કારણ તેમણે મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો.

જેટલી વ્યવસાયે વકીલ હતા અને તે ભાજપ સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનો મહત્વનો હિસ્સો હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા રહ્યા છે. જીએસટી અને નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે તેઓ નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા હતા.

નાદુરસ્ત તબિયતના કારણે જેટલીએ 2019માં લોકસભા ચૂંટણી લડી ન હતી. લાંબા સમયથી તેઓ ડાયાબિટિસની પીડિત હતા. વધતા વજનને ઠીક કરવા સપ્ટેમ્બર 2014માં તેમણે બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી.