જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં સોમવારે પોલીસે આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરનારા ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે અવંતિપોરા પોલીસે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી.


તેમણે કહ્યું કે, ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મોહમ્મદ આમીન, મોહમ્મદ રફીક, ખેવ નિવાસી ફયાઝ લોન અને અવંતિપોરાના રહેવાસી મકબૂલ ડારના રૂપમાં થઇ છે. પોલીસ રેકોર્ડ અનુસાર, ધરપકડ કરાયેલા લોકો અવંતિપોરામાં સક્રીય જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની મદદ કરતા હતા.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યુ છે કે તેઓ અવંતિપોરામાં અથડામણમાં માર્યા ગયેલા કમાન્ડર કારી યાસિર અને તેમના સાથી સહિત જૈશ-એ-મોહમ્મદના સક્રીય આતંકીઓને સામાન અને આશ્રય આપી રહ્યા હતા. પોલીસ ક્ષેત્રમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ થવા અને ક્ષેત્રના સક્રીય આતંકવાદીઓને સહયોગ કરવામાં ચાર અન્ય વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરી રહી છે.