નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અગાઉ સતાધારી ભાજપે વિપક્ષી દળોને મોટો ઝટકો આપ્યો છે. હાલમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ નથી પરંતુ ભાજપમાં સામેલ થવા માટે વિપક્ષી નેતાઓની લાઇન લાગી ગઇ છે. પૂર્વ પ્રદેશ કોગ્રેસ કમિટીના અધ્યક્ષ સુખદેવ ભગત સહિત છ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા. સુખદેવ ભાજપમાં જતા કોગ્રેસને ચૂંટણી અગાઉ મોટો ઝટકો લાગ્યો છે. રાંચીમાં મુખ્યમંત્રી રઘુબર દાસની હાજરીમાં તમામ છ વિપક્ષી ધારાસભ્યોએ ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું હતું. પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ સુખદેવ ભગત સિવાય, મનોજ યાદવ, કૃણાલ સારંગી, જેપીભાઇ પટેલ, ચમરા લિંડા અને ભાનુપ્રતાપ શાહીએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.


સુખદેવ ભગત અને મનોજ યાદવ અગાઉથી ભાજપના રડારમાં હતા. ભગત વર્તમાન પીસીસી ચીફ રામેશ્વર ઉરાંવથી નારાજ હતા. માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં હાર માટે તે ઉરાંગથી નારાજ હતા. જ્યારે મનોજ યાદવ પણ ચતરા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. જેએમએમના સસ્પેન્ડ ધારાસભ્ય જેપીભાઇ પટેલ પણ ભાજપમાં સામેલ થયા હતા. તેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું સમર્થન કર્યું હતું. મુખ્યમંત્રી રઘુબર દાસ હાલમાં જન આશીર્વાદ યાત્રા મારફતે જનસંપર્ક કાર્યક્રમમાં વ્યસ્ત છે.