લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં એક મહિલા સાથે કથિત ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. જે બાદ ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને અન્ય ચારની શોધ ચાલુ છે. આ મામલે જીઆરપી કમિશનર કૈસર ખાલિદે જણાવ્યું કે લગભગ 8 લોકો ટ્રેનમાં ચડ્યા હતા. આ લોકોએ પહેલા લૂંટ કરી અને પછી પતિ સાથે મુસાફરી કરી રહેલી મહિલા પર બળાત્કાર ગુજાર્યો. આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 4 ની શોધ કરવામાં આવી રહી છે.


હથિયારોથી સજ્જ બદમાશો ઘૂસી ગયા હતા ટ્રેનમાં


શુક્રવારે ઘણા સશસ્ત્ર લૂંટારાઓ એક્સપ્રેસ ટ્રેનમાં ચડ્યા  હતા. આ બદમાશો મુસાફરોને લૂંટીને તેમની કિંમતી ચીજવસ્તુઓ લઈ ગયા હતા. આ ઘટનાને કારણે મુસાફરો ભારે ગભરાટ ફલાયો હતો. મુસાફરોને લૂંટ્યા બાદ આરોપીઓએ 20 વર્ષીય મહિલા પર બળાત્કાર કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર હતા. ઘટનાની માહિતી મળ્યા પછી જીઆરપી કલ્યાણે લૂંટ અને બળાત્કારનો કેસ નોંધ્યો છે.






જીઆરપીએ પોતાના નિવેદનમાં આ વાત કરી


આ મામલે જીઆરપીએ તેના નિવેદનમાં કહ્યું છે કે, “જીઆરપી મુંબઈએ સીઆર નંબર 771/21 યુ/એસ 395, 397, 376 (ડી), 354, 354 (આઈપીસી આર/ડબલ્યુ 137 અને 153 ભારતીય રેલવે કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ સ્લીપર બોગી ડી -2 માં ઇગતપુરી (ઔરંગાબાદ રેલવે જિલ્લો)માં લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં સવાર થયા અને રાત્રે ઘાટ વિસ્તારમાંથી ગુના કરવાનું શરૂ કર્યું.


જ્યારે ટ્રેન અમારા અધિકારક્ષેત્ર કસારામાં પહોંચી ત્યારે મુસાફરોએ મદદ માટે બૂમો પાડવા માંડ્યા. જે બાદ ઓફિસર અને સ્ટાફ ગ્રુપ મુંબઈએ તાત્કાલિક જવાબ આપ્યો અને અમે અત્યાર સુધીમાં ચાર આરોપીઓને પકડ્યા છે. ડીસીપી અને ક્રાઈમ બ્રાંચની ટીમ ગુનાની તપાસ કરી રહી છે. કુલ ચોરાયેલી સંપત્તિ રૂ. 96,390 (મોટેભાગે મોબાઇલ) હોવાનો અંદાજ છે, જેમાંથી અમને 34,200 રૂપિયાની સંપત્તિ મળી છે. હાલમાં અમે તપાસ પર નજર રાખી રહ્યા છીએ.