નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી બાદ ચંદ્રાબાબુ નાયડુને મોટો ઝટકો લાગ્યો છે, ચાર સાંસદોએ પૂર્વ સીએમ અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુનો સાથ છોડી દીધો છે, આ ચારેય રાજ્યસભા સાંસદ ટીડીપી છોડીને બીજેપીમાં સામેલ થઇ ગયા છે.

ચંદ્રાબાબુનો સાથ છોડીને બીજેપીમાં સામેલ થનારા સાંસદોમાં વાયએસ ચૌધરી, સીએમ રમેશ, ટીજી વેંકટેશ અને જીએમ રાવ સામેલ છે. આ પહેલા આ ચારેયે રાજ્યસભાના સભાપતિ વૈંકેયા નાયડુને ચિઠ્ઠી લખીને ટીડીપીથી છેડો ફાડવાની જાણ કરી દીધી હતી.



આ ચારેય સાંસદો તરફથી કહેવામાં આવ્યુ છે કે, તેઓ વડાપ્રધાનની નીતિઓથી પ્રભાવિત થઇને તેમને ટીડીપીને છોડી છે અને બીજેપીમાં સામેલ થયા છે. આજે બીજેપી કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં ત્રણ સાંસદો સામેલ થયા જ્યારે એક સાંસદે પોતાનો પત્ર મોકલ્યો હતો.


નોંધનીય છે કે, તાજેતરમાં થયેલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીને તેલંગાણામાં કરારી હાર મળી હતી. સાથે રાજ્યમાં સત્તામાંથી પણ હાથ ધોવા પડ્યા હતા.