1 માર્ચથી દૂધના ભાવ 100 રૂપિયા થઈ જશે ? જાણો ટ્વીટર પર શું થઈ રહ્યું છે ટ્રેન્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Feb 2021 10:33 AM (IST)
સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચાના પદાધિકારીએ દૂધના ભાવ વધારવાની વાત કરી છે.
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવ ભડકે બળી રહ્યા છે. કૃષિ કાયદાને લઈ દેશમાં ખેડૂતો દિલ્હીની વિવિધ બોર્ડર પર લગભગ ત્રણ મહિનાથી પ્રદર્શન કરી રહ્યા છે. સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચાના પદાધિકારીએ દૂધના ભાવ વધારવાની વાત કરી છે. સોશિયલ મીડિયા ટ્વીટર પર હેશટેગ એક માર્ચથી દૂધ 100 રૂપિયા લીટર ટ્રેન્ડ થઈ રહ્યું છે. જાણીતા હિન્દી દૈનિક પત્રિકાના રિપોર્ટ પ્રમાણે, ભારતીય કિસાન યૂનિયનના જિલ્લા પ્રધાન મલકીત સિંહે જણાવ્યું 1 માર્ચથી ખેડૂતો દૂધના ભાવમાં વધારો કરશે. 50 રૂપિયા લીટર વેચાતા દૂધની કિંમત બમણી થઈ જશે એટલે કે 100 રૂપિયા લીટર વેચાશે. મલકીત સિંહે કહ્યું, કેન્દ્ર સરકારે ડીઝલના ભાવ વધારીને ખેડૂતોને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસની રાહત બાદ ફરી આજે ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો વધારો થયો છે. કિંમતમાં સતત વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.47 રૂપિયા પર પહોંચી છે.