દેશની બે મોટી મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHની ગુણવત્તાને લઈને વિદેશમાં સવાલો ઉઠાવવામાં આવ્યા બાદ હવે FSSIનું નિવેદન સામે આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSI) એ કહ્યું છે કે ભારતની બંને મોટી બ્રાન્ડમાં એથિલિન ઓક્સાઈડ (ખતરનાક કેમિકલ)ના કોઈ નિશાન મળ્યા નથી. આ રિપોર્ટ 28 માન્યતા પ્રાપ્ત લેબ્સમાં બંને બ્રાન્ડના સેમ્પલોની તપાસ બાદ જાહેર કરવામાં આવ્યો છે.


વાસ્તવમાં  હોંગકોંગ અને સિંગાપોરની ફૂડ એજન્સીએ એવરેસ્ટની ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મૂક્યો હતો. સિંગાપોરે એવરેસ્ટની ફિશ કરી મસાલાનો ઓર્ડર પરત કરી દીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે ફિશ કરી મસાલામાં એથિલિન ઓક્સાઈડની માત્રા નિર્ધારિત માત્રા કરતા ઘણી વધારે છે. તેમણે કહ્યું હતું કે હાલમાં ઓછી માત્રામાં એથિલિન ઓક્સાઈડથી કોઈ ખતરો નથી, પરંતુ લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. હોંગકોંગ અને સિંગાપોરની ચિંતા પછી જ FSSI એ દેશભરમાંથી MDH અને એવરેસ્ટ મસાલાના નમૂના લેવાનું શરૂ કર્યું હતું.


કયા મસાલા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા?


હોંગકોંગ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS) એ નક્કી માત્રા કરતા વધુ એથિલીન ઓક્સાઇડ હોવાની વાત કરી MDH નો મદ્રાસ કરી પાઉડર, એવરેસ્ટ ફિશ કરી મસાલા, MDH સંભાર મસાલા મિક્સ્ડ મસાલા પાવડર અને MDH કરી પાવડર મિશ્ર મસાલા પાઉડર ના ખરીદવાની સલાહ આપી હતી.


FSSI એ સેમ્પલનું ટેસ્ટિંગ કરાવ્યું


બે દેશોના વાંધાઓ પછી ફૂડ સેફ્ટી કમિશનર અને FSSI અધિકારીઓએ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં દેશભરના બજારમાં ઉપલબ્ધ બંને મસાલા બ્રાન્ડના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ અધિકારીઓએ બે ઉત્પાદન એકમોમાંથી એવરેસ્ટ મસાલાના મહત્તમ નમૂના લીધા હતા. આ પછી જંતુનાશક અવશેષો સહિત વિવિધ માપદંડ પર મસાલાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મસાલામાં એથિલિન ઓક્સાઈડ અંગે પણ તપાસ કરવામાં આવી હતી.


આ લોકોને તપાસ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા


FSSI એ તપાસ માટે વૈજ્ઞાનિકોની એક પેનલ બનાવી હતી. એવરેસ્ટ અને MDH ઉપરાંત તેમણે અન્ય બ્રાન્ડના 300 થી વધુ નમૂનાઓ પણ એકત્રિત કર્યા અને તેમને પરીક્ષણ માટે મોકલ્યા હતા. તેમાં નિર્ણાયક રીતે એથિલીન ઓક્સાઇડની હાજરી જોવા મળી નથી. વૈજ્ઞાનિકોની પેનલમાં સ્પાઈસ બોર્ડ, CSMCRI (ગુજરાત), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઈસિસ રિસર્ચ (કેરળ), NIFTM (હરિયાણા), BARC (મુંબઈ), CMPAP (લખનઉ), DRDO (આસામ), ICAR, નેશનલ રિસર્ચ સેન્ટરના નામાંકિત વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. જો કે હજુ 6 લેબના રિપોર્ટ આવવાના બાકી છે.