G20 Summit 2023: G20 સમિટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ડિનરમાં સામેલ થનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્ણય પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પૂછ્યું હતું કે શું આનાથી નરેન્દ્ર મોદી સરકાર સામે તેમનું વલણ નબળું નહીં પડે. કોંગ્રેસ નેતાએ એ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમોનું આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે "કોઈ અન્ય કારણ" હતું.


અધીર રંજને કહ્યું હતું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી ડિનરમાં હાજરી આપવા માટે ઉતાવળમાં દિલ્હી પહોંચી ગયા. જો તેઓ ડિનરમાં સામેલ ના થયા હોત તો કાંઇ થયું ના હોત. આકાશ તૂટી ના પડ્યું હોત. મહાભારત અશુદ્ધ ના થઇ જાત. તેમણે કહ્યું હતું કે દેશના ઘણા મુખ્યમંત્રીઓએ ડિનરનો બહિષ્કાર કર્યો હતો.


TMCએ અધીર રંજન પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, બેનર્જી અસ્તિત્વમાં આવી રહેલા વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના મુખ્ય નેતાઓમાંના એક છે અને કોંગ્રેસના નેતાએ તેમને વહીવટી દૃષ્ટિકોણથી અનુસરવા માટેના અમુક પ્રોટોકોલ વિશે પ્રવચન આપવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે જ્યારે ઘણા બિન-ભાજપ મુખ્યમંત્રીઓએ ડિનરમાં હાજરી આપવાનું ટાળ્યું હતું, દીદી (મમતા બેનર્જી) એક દિવસ પહેલા દિલ્હી પહોંચી ગયા હતા.


મમતાના ડિનરમાં હાજરી આપવાનું કારણ


G20 ડિનરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મમતા બેનર્જી હાજર રહ્યા હતા. અધીર રંજને કહ્યું હતું કે  "મને આશ્ચર્ય થાય છે કે તેમને આ નેતાઓ સાથે ડિનરમાં હાજરી આપવા માટે દિલ્હી જવા માટે કઇ બાબતે પ્રેરિત કર્યા હતા. બેનર્જી શુક્રવારે દિલ્હી ગયા હતા જ્યારે ડિનર બીજા દિવસે હતું. ચૌધરીએ પૂછ્યું હતું કે , "શું તેમને આ અવસર પર સામેલ થવા પાછળ કોઇ અન્ય કારણ હતું?


અધીર રંજન નક્કી નહી કરેઃ ટીએમસી સાંસદ


અધીર રંજનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા TMCના રાજ્યસભાના સાંસદ શાંતનુ સેને કહ્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે મમતા બેનર્જી વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (ભારત) ના મહત્વના નેતા છે અને તેમની પ્રતિબદ્ધતા પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં. કોંગ્રેસના નેતા પર નિશાન સાધતા સેને કહ્યું હતું કે, "પ્રોટોકોલ મુજબ જી-20ના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ક્યારે ડિનરમાં ભાગ લેવા જશે તે ચૌધરી નક્કી કરશે નહીં."