G20 Summit 2023: ભારત 18મી G20 સમિટની યજમાની કરવા જઈ રહ્યું છે. 80ના દાયકા પછી આ પહેલો પ્રસંગ હશે જ્યારે બે દિવસ સુધી દુનિયાના 20 સૌથી શક્તિશાળી દેશોના નેતાઓ એક છત નીચે હશે. આવી સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીને હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. દિલ્હીના 35 કિલોમીટરના વિસ્તારમાં એક સાથે 50,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.


G20 જેવી ઉચ્ચ સ્તરીય બેઠકો માટે દરેક જગ્યાએ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના 50,000 જવાનો, અર્ધલશ્કરી દળો, NSG અને CRPF કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. હાઈરાઈઝ ઈમારતો પર એન્ટી એરક્રાફ્ટ ગન તૈયાર કરવામાં આવી છે. દરેક હિલચાલ પર નજર રાખવા માટે 40,000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ચહેરાને વાંચતા 'ફેસ રેકગ્નિશન' કેમેરા જેવી ઉચ્ચ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


આ ઉચ્ચ સ્તરીય સંમેલન પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે યોજાશે. આવી સ્થિતિમાં પ્રગતિ મેદાન હેઠળની સુરંગમાં સ્નિફર ડોગ્સ સાથે કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી-એનસીઆરમાં 23 ફાઇવ-સ્ટાર હોટલના 24-કલાક મોનિંટરીગ રાખવામાં આવી રહ્યું છે. આ 23 હોટલોની ઉપર નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહી બાયો-વેપનથી લઈને રાસાયણિક હથિયારોનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.


હોટેલની અંદર હથિયારોનું ગોદામ


કોઈપણ સંભવિત હુમલા દરમિયાન પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે હથિયારોની અછત ન હોવી જોઈએ. આ માટે હોટલની અંદર હથિયારોથી ભરેલો વેરહાઉસ બનાવવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓને તમામ આધુનિક હથિયારો આપવામાં આવ્યા છે. જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો, મેગેઝિન સ્મોક ગ્રેનેડથી લઈને કોમ્યુનિકેશન માટે વાયરલેસ સેટ તેમજ ચાર્જર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રગતિ મેદાનથી લઈને વડાપ્રધાનના નિવાસસ્થાન સુધીના સમગ્ર વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરાયો છે. ઘણી જગ્યાએ એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.


જે હોટલોમાં VVIP મહેમાનોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે ત્યાં કોઈપણ સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે એરફોર્સના હેલિકોપ્ટરને પણ તૈયાર રાખવામાં આવ્યું છે. હોટલોની અંદર અને બહાર ખાસ પ્રશિક્ષિત કમાન્ડો તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ સિવાય વિદેશી મહેમાનોની પોતાની સિક્રેટ સર્વિસ પણ હશે.


દિલ્હી પોલીસથી લઈને અમેરિકાની CIA સુધી તમામ તૈયાર


G20 જેવા હાઈપ્રોફાઈલ ઈવેન્ટ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસ, પેરામિલિટરી ફોર્સ, NSG, CRPF, IB અને RAW થી લઈને બ્રિટનની MI6, રશિયાની KGB, અમેરિકાની CIA અને ઈઝરાયેલની મોસાદ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ સુરક્ષામાં તૈયાર છે.


તપાસ એજન્સીઓ પણ સાયબર હુમલાને લઈને સતર્ક છે. નિષ્ણાતોની એક ટીમ સતત આની દેખરેખ રાખી રહી છે, ખાસ કરીને તે હોટલોમાં જ્યાં વિદેશી મહેમાનો રોકાવાના છે. હોટલોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી શંકાસ્પદની તાત્કાલિક ઓળખ થઈ શકે.


ભારત મંડપમ સુધીના સમગ્ર રૂટને જુદા જુદા ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં સુરક્ષાની જવાબદારી અલગ-અલગ કમાન્ડરોને સોંપવામાં આવી છે. દરેક કમાન્ડર વિદેશી મહેમાનોના સુરક્ષા કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં રહેશે. જે હોટલમાં VVIP મહેમાનોને રાખવામાં આવે છે તેમાં દરેક ફ્લોર માટે અલગ સ્ટાફ હોય છે. તેને આપવામાં આવેલ કાર્ડ પણ ખાસ G20 માટે બનાવવામાં આવ્યું છે. કોઈ પણ સ્ટાફ પોતાની મરજી એક માળેથી બીજા માળે જઈ શકશે નહીં.


G20 સમિટ માટે 8 થી 10 સપ્ટેમ્બર સુધી આકાશમાં 3 સર્કિલ સિક્યોરિટી રાખવામાં આવશે. આ તમામ સ્તરોને ઈન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડવામાં આવશે. આ ત્રણેય સર્કિલ સિક્યોરિટીને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં લોંગ રેન્જ કવર, મીડીયમ રેન્જ કવર અને શોર્ટ રેન્જ કવરનો સમાવેશ થાય છે.


આ અંતર્ગત ફાઈટર જેટ અને કોમ્બેટ હેલિકોપ્ટરને ઓપરેશન રેડી પ્રિપેરેશન અને કોમ્બેટ એર પેટ્રોલ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે. તમામ ફોરવર્ડ એર બેઝને મિસાઈલની મદદથી એલર્ટ પર રાખવામાં આવશે જેથી 100 કિમીના અંતરે પણ આકાશમાં કોઈ હિલચાલ થાય તો તેનો અસરકારક રીતે સામનો કરી શકાય. રાફેલ, જગુઆર, મિગ 29 દ્વારા સરહદ પર પેટ્રોલિંગ કરવામાં આવશે.


આકાશ મિસાઈલ અને પેચોરા મિસાઈલને દિલ્હીની આસપાસના એરબેઝ પર તૈનાત કરવામાં આવી છે જેથી 25 થી 30 કિમીની ત્રિજ્યામાં કોઈ હિલચાલ થાય તો તેનો સામનો કરી શકાય. આ સિવાય એરફોર્સ, નેવી અને આર્મીએ પણ પોતાની એન્ટી ડ્રોન ટેક્નોલોજી તૈનાત કરી છે.


IGLA એટલે કે મેન પોર્ટેબલ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ મેન પેડ મિસાઈલને દિલ્હી અને તેની આસપાસના તમામ VVIP સ્થળો પર તૈનાત કરવામાં આવી છે. ઈન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા લાઈવફીડ દ્વારા તમામ એરબેઝ પર ચોવીસ કલાક નજર રાખવામાં આવશે.