G20 Summit 2023: રાજધાની દિલ્હીમાં G-20 સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તમામ દેશોના અધ્યક્ષો ભારત પહોંચી રહ્યા છે. G-20 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીનું શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. તેઓ ત્રણ દિવસમાં 15 દેશોના વિવિધ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બેઠકોનો આ રાઉન્ડ આજથી શરૂ થઈને 10 સપ્ટેમ્બર સુધી ચાલશે.


બાઇડન ભારતમાં ત્રણ દિવસ રોકાશે. તેઓ આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.  બંને નેતાઓ શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે 7.30 વાગ્યે લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ મોદીના નિવાસસ્થાને મળશે. જો બાઇડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે સાંજે ભારત પહોંચશે અને ત્યારબાદ પીએમ મોદી સાથે ડિનર કરશે. બંને નેતાઓ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે






આજથી દ્વિપક્ષીય બેઠકોની શરૂઆત


8 સપ્ટેમ્બરના રોજ PM LKM ખાતે મોરેશિયસ, બાંગ્લાદેશ અને અમેરિકાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. આ પછી 9 સપ્ટેમ્બરે જી-20 બેઠકો સિવાય પીએમ મોદી બ્રિટન, જાપાન, જર્મની અને ઇટાલીના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.                             


10 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વર્કિંગ લંચ મીટિંગ કરશે. તેઓ કેનેડા સાથે અલગ બેઠક કરશે અને કોમોરોસ, તુર્કી, યુએઈ, દક્ષિણ કોરિયા, ઇયુ-ઇસી, બ્રાઝિલ અને નાઈજીરીયા સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.


અમેરિકાના એનએસએનું નિવેદન


અમેરિકન NSA જેક સુલિવન રાષ્ટ્રપતિ બાઇડન સાથે ભારત પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે G20 સમિટ એ ક્લાઈમેટ ચેન્જ, ઉર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને સાર્વજનિક ચીજવસ્તુઓના વિતરણ જેવા મહત્વના આર્થિક મુદ્દાઓ પર વૈશ્વિક નેતાઓ સાથે જોડાવાની એક મહત્વપૂર્ણ તક છે. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય એવી યોજનાઓ પર કામ કરવાનો છે જે પરિવર્તન લાવી શકે. તેમણે કહ્યું કે સમિટમાં ચીનની ગેરહાજરી અંગે ચિંતા હોવા છતાં અમે G20 દ્વારા વૈશ્વિક મુદ્દાઓ સાથે વ્યવહાર કરવાની અમારી પ્રતિબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.