Gaganyaan Mission:  ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ 21 ઓક્ટોબરે ઉડાણ ભરશે. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (Test Vehicle Abort Mission -1) તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ પછી વધુ ત્રણ ટેસ્ટ ફ્લાઈટ્સ D2, D3 અને D4 મોકલવામાં આવશે. હાલમાં ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-૨૦૧૮ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટમાં શું થશે તે અંગે ઈસરોની શું છે યોજના?














ક્રૂ મોડ્યુલને આઉટર સ્પેસ સુધી મોકલવામાં આવશે


ગગનયાન મિશન TV-D1નું લોન્ચિંગ 21 ઓક્ટોબરે હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવશે. લોન્ચિંગ દરમિયાન ક્રૂ મોડ્યુલને આઉટર સ્પેસ સુધી મોકલવામાં આવશે. આ પછી તેને ફરીથી જમીન પર પરત લવાશે.  તેનું લેન્ડિંગ બંગાળની ખાડીમાં કરવામાં આવશે. ત્યારબાદ તેની રિકવરી ઇન્ડિયન નેવી દ્ધારા કરાશે. આ ટેસ્ટ ફ્લાઇટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે સમગ્ર ભવિષ્યની યોજના તેની સફળતા પર જ બનાવવામાં આવશે.


ક્રૂ મોડ્યુલ એ એક ભાગ છે જેની અંદર અવકાશયાત્રીઓ બેસીને 400 કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે. તે એક કેબિન જેવું છે, જેમાં અવકાશયાત્રીઓ માટે ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે. ક્રૂ મોડ્યુલમાં નેવિગેશન સિસ્ટમ, ફૂડ હીટર, ફૂડ સ્ટોરેજ, હેલ્થ સિસ્ટમ અને ટોયલેટ વગેરે સહિતની દરેક વસ્તુ હશે. તેનો આંતરિક ભાગ ઊંચા અને નીચા તાપમાનને સહન કરશે. તે અવકાશયાત્રીઓને સ્પેસ રેડિયેશનથી પણ બચાવશે.


એસ્ટ્રોનોટ્સના સેફ લેન્ડિંગમાં મદદરૂપ થશે પૈરાશૂટ


આ ટેસ્ટમાં ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ (CES) હશે. આ બંને અવાજની ગતિથી ઉપર જશે. પછી 17 કિલોમીટરની ઊંચાઈથી એબોર્ટ સિક્વન્સ શરૂ થશે. ત્યાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. પેરાશૂટ દ્વારા નીચે આવશે. સમુદ્રમાં ક્રૂ મોડ્યુલને સ્પ્લેશ કરતી વખતે તેના પેરાશૂટ ખુલશે. પેરાશૂટ અવકાશયાત્રીઓના સુરક્ષિત ઉતરાણમાં મદદ કરશે. આ ક્રૂ મોડ્યુલની ઝડપ ઘટાડશે, તેમજ તેને સ્થિર રાખશે.


આવતા વર્ષે માનવરહિત અને માનવ મિશન


જો ગગનયાન મિશન TV-D1 સફળ થાય છે તો ગગનયાન મિશનના પ્રથમ માનવરહિત મિશનનું આયોજન આવતા વર્ષની શરૂઆતમાં થઈ શકે છે. માનવરહિત મિશનમાં હ્યુમનનોઇડ રોબોટ એટલે કે સંપૂર્ણ માનવ સ્વરૂપનો રોબોટ વ્યોમિત્ર મોકલવામાં આવશે. માનવરહિત મિશનની સફળતા બાદ એક મિશન મોકલાશે જેમાં માણસ અવકાશમાં જશે.


ગગનયાન મિશન શું છે


ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન છે જે ત્રણ દિવસ સુધી ચાલશે. આમાં 3 સભ્યોની ટીમને પૃથ્વીની ભ્રમણકક્ષાથી 400 કિલોમીટર ઉપર મોકલવામાં આવશે. આ પછી ક્રૂ મોડ્યુલને દરિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે. જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને રશિયા પછી આવું કરનાર ચોથો દેશ બની જશે.


ત્રણ એસ્ટ્રોનૉટ 400 કિલોમીટર ઉપર જશે અને 3 દિવસ પછી પરત ફરશે


'ગગનયાન' માં 3 દિવસના મિશન માટે ત્રણ સભ્યોને 400 કિલોમીટરની ઉપર  પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. તેના પછી ક્રૂ મોડ્યૂલને સુરક્ષિત રીતે દરિયામાં લેન્ડ કરવામાં આવશે. જો ભારત આ મિશનમાં સફળ થઇ જશે તો તે ચોથો દેશ બની જશે. અગાઉ અમેરિકા, ચીન અને રશિયા આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. 12 એપ્રિલ 1961ના રોજ સોવિયતના યુરી ગાગરિન 108 મિનિટ સુધી સ્પેસમાં રહ્યા હતા.5 મે 1961ના રોજ અમેરિકાના એલન શેફર્ડ 15 મિનિટ સ્પેસમાં રહ્યા હતા. 15 ઓક્ટોબર 2003 ના રોજ ચીનના યાંગ લિવેડ 21 કલાક સુધી સ્પેસમાં રહ્યા હતા.


બેંગલુરુમાં એસ્ટ્રોનોટની ટ્રેનિંગ માટે ફેસિલિટી શરૂ કરાઇ


આ મિશન માટે ISRO ચાર એસ્ટ્રોનોટને ટ્રેનિંગ આપી રહ્યું છે. બેંગલુરુમાં બનાવવામાં આવેલી એસ્ટ્રોનેટ ટ્રેનિંગ ફેસિલિટીમાં ક્લાસરૂમ ટ્રેનિંગ, ફિઝિકલ ફિટનેસ ટ્રેનિંગ, સિમ્યુલેટર ટ્રેનિંગ અને ફ્લાઇટ સૂટ ટ્રેનિંગ આપવામાં આવશે.


ગગનયાન મિશનના ઉદ્દેશ્યો


માનવરહિત અવકાશયાન મોકલવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવા. અવકાશમાં માનવ ઉડાન માટે જરૂરી ટેકનોલોજી વિકસાવવી જોઇએ. અંતરિક્ષમાં માનવ ઉડાન ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને તાલીમ આપવામાં આવશે. અવકાશમાં માનવ ઉડાનના ક્ષેત્રમાં ભારતની ક્ષમતાઓ પ્રદર્શિત કરવામાં આવશે.


ભારત માટે ગગનયાનનું મહત્વ


ગગનયાન મિશન માટે તેના લગભગ 60 ટકા ઉપકરણો ભારતીય ખાનગી ક્ષેત્ર પાસેથી પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે. આનાથી ભારતીય ઉદ્યોગને વેગ મળી શકે છે અને નવી નોકરીઓની તકો ઊભી થઈ શકે છે. આનાથી રોજગારી ઉત્પન્ન કરવાની અને માનવ સંસાધનોને ટેક્નોલોજીમાં તાલીમ આપવાની તક મળી શકે છે. ગગનયાન મિશનથી 15,000 થી વધુ નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.


ગગનયાન મિશન ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ બની શકે છે. આનાથી દેશને અવકાશ સંશોધન ક્ષેત્રે ટેકનોલોજીકલ વિકાસની સારી દિશા મળી શકે છે. આ મિશન દેશના વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરી શકે છે. ગગનયાન મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં અભ્યાસ કરવાની અને અવકાશના વાતાવરણને સમજવાની તક મળી શકે છે.


આ મિશન આર્થિક વિકાસની તકો પણ પેદા કરી શકે છે, કારણ કે તેને નવી ટેકનોલોજીની જરૂર પડે છે અને તેના વિકાસ માટે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની જરૂર પડી શકે છે.