Death Caught on Camera: હાલમાં નવરાત્રિનો ઉત્સવ ચાલી રહ્યો છે. પુણેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે ઘણા લોકોને ચોંકાવી દીધા છે. લેટેસ્ટલીના રિપોર્ટ અનુસાર, પુણેના ગરબા કિંગ તરીકે જાણીતા ગરબા કલાકાર અશોક માળીનું ગરબા રમતા રમતા મોત થયું હતું. આ ઘટના પુણેના ચાકનમાં એક ગરબા કાર્યક્રમ દરમિયાન બની હતી, જ્યાં અશોક માળીને અચાનક હાર્ટ અટેક આવતા ઢળી પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ દર્દનાક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


ગરબા રમતા સમયે મોતની ઘટના


બાળક સાથે ખુશીથી ગરબા રમી રહેલા અશોક માળી અચાનક જમીન પર પડી ગયા હતા. ત્યાં હાજર લોકો કલ્પના પણ નહોતા કરી શકતા કે થોડી જ ક્ષણોમાં આ બધું આટલું ભયાનક બની જશે. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ હ્રદયદ્રાવક ઘટનાના કારણે તેમનો પરિવાર અને ચાહકોમાં શોક ફેલાયો હતો. અશોક માળી મૂળ ધુલે જિલ્લાના શિંદખેડા તાલુકાના હોલ ગામના રહેવાસી હતા અને હાલ પુણેના ચાકનમાં રહેતા હતા.


અશોક માળી ગરબા અને દાંડિયામાં તેમની ઉત્તમ કળા માટે જાણીતા હતા. તેમની મહેનત અને કલા પ્રત્યેના પ્રેમે તેમને 'ગરબા કિંગ' બનાવ્યા. તેમના મિત્ર અને ખાનદેશ સાહિત્ય સંઘના પુણે જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ચૌધરીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પોતાની ફેસબૂક પોસ્ટમાં અશોક માળીના વખાણ કરતાં તેમણે કહ્યું કે તેઓની ઉંચાઇ ભલે નાની હતી પરંતુ તેમણે પોતાની કળાથી મોટું સ્થાન હાંસલ કર્યું હતું.


2015માં બન્યા 'દાંડિયા કિંગ'


જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે 2015માં આયોજિત ગરબા સ્પર્ધામાં અશોક માળીએ પોતાની કળાનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ દસ દિવસીય સ્પર્ધામાં અશોક માળીએ પોતાના નૃત્ય કૌશલ્યથી સૌને મંત્રમુગ્ધ કર્યા અને આખરે 'દાંડિયા કિંગ'નું બિરુદ મેળવ્યું હતું. તેમના અનોખા ડાન્સ સ્ટેપ્સે પરીક્ષકોને પણ આશ્ચર્યમાં મુકી દીધા હતા. આ પ્રદર્શન બાદ ધારાસભ્ય મહેશ લાંડગે તરફથી ટુ-વ્હીલર ભેટમાં આપવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી અશોક માળી કોચની ભૂમિકા ભજવી રહ્યા હતા અને ઘણા યુવાનો અને બાળકોને ગરબા અને દાંડિયા શીખવી રહ્યા હતા.