Haryana JK Elections Result: આગામી 5 વર્ષ સુધી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની સત્તા પર કોણ શાસન કરશે તેનો નિર્ણય મંગળવારે (8 ઓક્ટોબર) લેવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે મતગણતરી સ્થળ પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં 90-90 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં (18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર) મતદાન યોજાયું હતું, જ્યારે હરિયાણામાં માત્ર એક તબક્કામાં એટલે કે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. જ્યારે હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી ત્યારે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.
એક સત્તાવાર નિવેદનમાં હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યના 22 જિલ્લામાં 90 વિધાનસભા મતવિસ્તારોમાં 93 મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. બાદશાહપુર, ગુરુગ્રામ અને પટૌડી વિધાનસભા બેઠકો માટે બે-બે મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યારે બાકીની 87 બેઠકો માટે એક-એક મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. મતગણતરી પ્રક્રિયા પર નજર રાખવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા 90 મતગણતરી નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે.
પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે
પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ 30 મિનિટ પછી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની ગણતરી કરવામાં આવશે. સીઈઓએ કહ્યું કે મતગણતરીનાં દરેક રાઉન્ડની સચોટ માહિતી સમયસર અપલોડ કરવામાં આવશે. મતગણતરી દરમિયાન ઉમેદવારો, તેમના અધિકૃત પ્રતિનિધિઓ, રિટર્નિંગ ઓફિસર (આરઓ)/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (એઆરઓ) અને ECI નિરીક્ષકોની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે અને વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મતગણતરી કેન્દ્રોની અંદર મોબાઇલ લઇ જવાની મંજૂરી નથી
હરિયાણામાં કોણ જીતશે?
જો હરિયાણાની વાત કરીએ તો અહીં 90 વિધાનસભા સીટો છે. રાજ્યમાં આ બેઠકો માટે 1031 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાં 930 પુરુષો અને 101 મહિલાઓનો સમાવેશ થાય છે. 5 ઓક્ટોબરના રોજ એક જ તબક્કામાં હરિયાણાની તમામ સીટો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા કામચલાઉ ડેટા અનુસાર, 66.96 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હરિયાણામાં મતદાન માટે 20 હજાર 632 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 13500 બૂથ ગ્રામીણ અને 7132 બૂથ શહેરી વિસ્તારોમાં હતા.