નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા ગત તારિખ ૧૪ થી ૨૭ નવેમ્બર દરમિયાન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિરાસત સમા હાથશાળ અને હસ્તકલાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં મુખ્ય ઉદ્દેશ્ય સાથે ગરવી ગુર્જરીએ આ મેળામાં ભાગ લીધો હતો. ગરવી ગુર્જરી દ્વારા આ મેળામાં રાજ્યના હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ગરવી ગુર્જરીએ અધધ રૂ. ૧.૨૫ કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.


વન  ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ હેઠળ ગુજરાતના વિશેષ ઉત્પાદનોને ભારતભરમાં પ્રોત્સાહિત કરવા તેમજ પરંપરાગત કળા, હાથશાળ અને હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરોને એક ઉત્તમ મંચ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમે (ગરવી ગુર્જરીએ) આ મેળામાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ પુરસ્કારથી સન્માનિત ૦૬ કારીગરો સહિત ગુજરાતના કુલ ૬૦ કારીગરોએ પોતાના ૨૦થી વધુ ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન ગુજરાતની પરંપરાગત હાથવણાટ અને હસ્તકલાની સુંદર ચીજવસ્તુઓને મુલાકાતીઓ તરફથી અપાર પ્રશંસા મળી હતી. 


આ પ્રદર્શનના માધ્યમથી ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા માટે ગરવી ગુર્જરીની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ હતી. પ્રદર્શન દરમિયાન ગરવી ગુર્જરીએ ગ્રાહકોને આકર્ષવામાં સફળતા તો મેળવી જ, પરંતુ કારીગરોને વિશાળ કલાપ્રિય ગ્રાહકો સાથે સંપર્ક કરાવી નોંધપાત્ર તકો પણ ઊભી કરી હતી. રાજ્ય સરકારની આ પહેલ સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા અને ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરે છે.


‘ગરવી ગુજરાત ભવન’ને મળ્યો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ


રાજધાની દિલ્હીના મધ્યમાં સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. એવોર્ડ સમારોહ 5 ડિસેમ્બર, 2024ના રોજ ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, લોધી રોડ, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. 4 અને 5 ડિસેમ્બરે આયોજિત 16મી GRIHA સમિટ ‘નિર્મિત પર્યાવરણમાં જળવાયુ કાર્યવાહીને વેગ આપવો’ (એક્સેલરેટિંગ ક્લાઈમેટ એક્શન ઇન ધ બિલ્ટ એન્વાયર્નમેન્ટ) થીમ પર યોજાઇ હતી, જેનો હેતુ સમાજમાં તીવ્ર આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોનો સામનો કરવા માટે ક્ષમતા અને ટકાઉપણા પ્રોત્સાહન આપીને વધુ સારું ભવિષ્ય બનાવવાનો છે.


આ પણ વાંચો...


Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?