CNG-LPG Rate: કુદરતી ગેસના ભાવમાં વિક્રમી વધારા બાદ CNG ગેસનો ભાવ 8 થી 12 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થઈ શકે છે, જ્યારે LPG સિલિન્ડરના દરમાં 6 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો થઈ શકે છે. વિશ્લેષકોએ આ ભાવ વધારાની આગાહી કરી છે. સરકારે ગયા અઠવાડિયે જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવામાં આવતા દરને વર્તમાન 6.1 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (Per Unit) થી વધારીને 8.57 ડોલર પ્રતિ યુનિટ કર્યો છે.


મુશ્કેલ વિસ્તારોમાંથી કાઢવામાં આવતા ગેસની કિંમત 9.92 ડોલર થી વધારીને 12.6 ડોલર પ્રતિ યુનિટ કરવામાં આવી છે. આ દરના આધારે દેશમાં ઉત્પાદિત ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગ વેચાય છે. કુદરતી ગેસ ખાતર બનાવવા તેમજ વીજળી ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય કાચો માલ છે. તેને સીએનજીમાં પણ રૂપાંતરિત કરવામાં આવે છે અને PNGનો ઉપયોગ રસોડામાં રાંધણ ગેસ તરીકે પણ થાય છે.


ગેસના ભાવ એક વર્ષમાં 5 ગણા વધ્યાઃ


કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસની કિંમત માત્ર એક વર્ષમાં લગભગ 5 ગણી વધી છે. આ પ્રકારના ગેસની કિંમત સપ્ટેમ્બર 2021માં 1.79 ડોલર પ્રતિ એમએમબીટીયુ થી વધીને સપ્ટેમ્બર 2021માં 8.57 ડોલર થઈ ગઈ હતી. MMBTU ગેસના ભાવમાં દરેક ડોલરના વધારાની અસર રુપે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) સંસ્થાઓએ CNGની કિંમતમાં રૂ. 4.7 થી 4.9 પ્રતિ કિલોનો વધારો કરવો પડશે.


ICICI સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, કાચા માલના ઊંચા ખર્ચની અસરને સંપૂર્ણપણે સરભર કરવા માટે CNG અને PNGના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ રૂ. 6.2 અને કિલો દીઠ રૂ. 9 થી 12.5નો વધારો કરવાની જરૂર પડશે.


દિલ્હીમાં CNGના ભાવમાં 8 રૂપિયા સુધીનો વધારો થઈ શકે


જેફ્રીઝે જણાવ્યું હતું કે, ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએનજી અને પીએનજીનું છૂટક વેચાણ કરે છે, તેણે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 8નો વધારો કરવાની જરૂર પડશે, જ્યારે મુંબઈમાં રિટેલ ગેસ વિતરક કંપની મહાનગર ગેસ લિમિટેડે ભાવમાં  9 રુપિયાનો વધારો કરવો પડશે. કોટકે જણાવ્યું હતું કે, ઘરેલું ગેસના ભાવની ફોર્મ્યુલા પર ફરીથી વિચાર કરવાની અને અનેક કારણોસર ઉંચા અને નીચા ભાવ રજૂ કરવાની ગંભીર જરૂર છે.