દિલ્હી નજીક આવેલા ગૌતમ બુદ્ધ નગરમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે. જેને લઈને પોલીસ કમિશનરે આદેશ જાહેર કર્યા છે. સાથે જ ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જે મૂજબ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર સાર્વજનિક જગ્યાઓ પર કોઈ પણ પ્રકારની ગતિવિધિને મંજૂરી નહી આપવામાં આવે. કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના જોતા કલમ 144ને વધારી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. 



આગામી ચૂંટણી, તહેવારો અને નવા વર્ષને કારણે જિલ્લામાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 વધારવામાં આવી હતી. પોલીસ ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરશે.  લગ્નમાં વધુમાં વધુ 100 લોકોને મંજૂરી આપવામાં આવશે. કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવા માટે પરવાનગી લેવાની રહેશે. પરવાનગી વગર કાર્યક્રમ યોજવા પર પોલીસ કાર્યવાહી કરશે.


માસ્ક/સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જાહેર સ્થળે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સ્વીકારવામાં આવશે નહીં.
કન્ટેનમેન્ટ ઝોનમાં તબીબી સેવાઓ અને આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે.
કોઈપણ સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક ઉજવણી પૂર્વ પરવાનગી વિના કરી શકાશે નહીં.


નવી ગાઈડલાઈન


સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ કોવિડ પ્રોટોકોલ વિના ખુલશે નહીં.
જીમ, સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 50 ટકાથી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં.
સ્વિમિંગ પૂલ ખુલશે નહીં.
મોલ, રેસ્ટોરન્ટ, હોટલ 50 ટકાથી વધુ ક્ષમતા સાથે કામ કરશે નહીં.
લગ્નમાં વધુમાં વધુ 100 લોકોને મંજૂરી આપવામાં આવશે.


દેશમાં કોરોના (Coronavirus) ના ઓમિક્રોન  (Omicron) વેરિઅન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં 17 રાજ્યોમાં અત્યાર સુધીમાં 358 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જેમાંથી 114 દર્દીઓ સાજા થયા છે. 244 દર્દીઓની સારવાર ચાલી રહી છે.


અધિકારીએ કહ્યું કે 183 ઓમિક્રોન કેસનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 183માં  87 એ રસીના બંને ડોઝ લીધા હતા. જેમાંથી 3 લોકોએ બુસ્ટર ડોઝ પણ લીધો હતો.જ્યારે  7 એ રસીનો એક પણ ડોઝ લીધો નથી. 121 લોકોએ વિદેશ પ્રવાસ કર્યો હતો. 44 લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી પરંતુ તેઓ સંપર્કમાં આવ્યા હતા.