ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટીના આરોપોના જવાબ આપતા કહ્યું કે, મને ગાળો આપવાથી દિલ્હીનું પ્રદૂષણ ઓછું થતું હોય તો મને મનભરીને ગાળો આપો. ગૌતમે એક પત્ર પણ ટ્વીટ કર્યો છે. જેમાં તેણે કહ્યું કે મારા મતવિસ્તારમાં મારી પ્રતિબદ્ધતાને મારા કામોને લઈને આંકવી જોઈએ. તેમણે દાવો કરતા કહ્યું કે મારુ કામ ખુદ બોલશે, હું મારા મતવિસ્તારમાં ઓફિસે સવારે 11 વાગ્યથી બેસુ છું.
તેમણે કહ્યું, હું ઓફિસથી ત્યારે જ બહાર નીકળું છું જ્યારે ત્યા આવેલા તમામ લોકોનું સમાધાન થઈ જાય છે. હું પૈસા કમાવવા માટે રાજકારણમાં નથી આવ્યો.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના પ્રદૂષણને લઈને શુક્રવારે સંસદીય બેઠક મળી હતી જેમાં પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર સહિત કેટલાક સાંસદો ગેરહાજર રહ્યાં હતા. જેને લઈને ગૌતમ ગંભીર સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. ટ્વિટર પર ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ગૌતમ સાથે ઇન્દોરમાં જલેબી ખાતા હોય તેવી તસવીર પોસ્ટ કરી હતી જેના પર બબાલ મચી ગયો હતો.
લોકોએ ગૌતમ ગંભીરને આડે હાથ લીધો હતો, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ પણ સોશિયલ મીડિયા પર પોતાની રોષ વ્યક્ત કર્યો હતો. તેની વચ્ચે ભજપના કાર્યકર્તાઓ પણ પોતાના સાંસદના સમર્થનમાં ઉતર્યા હતા અને દિલ્હીમાં પ્રદૂષણ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારને જવાબદાર ગણાવી હતી.