બેંગલુરુઃ સીબીઆઇ શુક્રવારે બેંગલુરુમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇના આ દરોડા એફસીઆરએના ઉલ્લંઘનને લઇને કરવામાં આવ્યા છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ ગ્રુપ પર નિયમોનો ભંગ કરતા વિદેશી ફંડિગ મેળવવાનો આરોપ છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ માનવાધિકાર માટે કામ કરતી સંસ્થા છે.
દરોડા બાદ એમનેસ્ટીએ કહ્યું કે, સીબીઆઇએ શુક્રવારે બેંગલુરુ અને નવી દિલ્હીમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલ ટ્રસ્ટના મામલામાં એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. ભારતમાં માનવાધિકાર ભંગ વિરુદ્ધ એમનેસ્ટી ઇન્ડિયાએ અવાજ ઉઠાવ્યો છે ત્યારે ત્યારે તેને હેરાન કરવામાં આવી છે. એમનેસ્ટી ઇન્ડિયા ભારતીય અને ઇન્ટરનેશનલ કાયદાનું પુરી રીતે પાલન કરે છે. દુનિયાની જેમ ભારતમાં પણ અમારુ કામ માનવાધિકારો માટે લડવાનું છે. અમારા મૂલ્યો એ જ છે જે ભારતના બંધારણમાં બહુવાદ, સહિષ્ણુતા વગેરે માટે છે.
સપ્ટેમ્બર મહિનામાં માનવાધિકારોની વૈશ્વિક સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલની ભારતીય એકમ પર ઇડીએ તપાસ બાદ તેને કારણ જણાવો નોટિસ જાહેર કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, ઇડીએ મૂળ કંપની એમનેસ્ટી ઇન્ટરનેશનલ યુકેને ફેમા હેઠળ નિયમોના ભંગ કરવા બદલ 51.72 કરોડ રૂપિયા લેવા પર નોટિસ જાહેર કરી છે.