Gambhir Corona Positive: ભારતીય ક્રિકેટ ટીમને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો સ્ટાર ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોનાથી સંક્રમિત થયો છે. ગંભીર હાલ દિલ્હીથી ભાજપનો સાંસદ છે.


કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપતા ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું કે, "કોરોનાના હળવા લક્ષણો અનુભવાયા બાદ મારો રિપોર્ટ  કોરોના પોઝિટિવ આવ્યો છે. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરું છું."


ગંભીર લખનઉ ટીમનો મેન્ટર છે


થોડા સમય પહેલા ગૌતમ ગંભીરને નવી IPL ટીમ લખનઉનો મેન્ટર બનાવવામાં આવ્યો છે. લખનૌની ટીમ RPSG ગ્રુપની માલિકીની છે. આ ટીમે મેગા ઓક્શન પહેલા ત્રણ ખેલાડીઓની પસંદગી પણ કરી છે. લોકેશ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમના સિવાય રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટોઈનિસને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.






 


ભારતમાં કોરોનાની સ્થિતિ


સમગ્ર દેશમાં કોરોનાની બેકાબૂ ગતિ ચાલુ છે. જો કે, નવા કેસોમાં થોડો ઘટાડો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. આજે કોરોના સંક્રમણના 2,55,874 નવા કેસ સામે આવ્યા છે. અગાઉ સોમવારે કોવિડ-19ના 3 લાખ 6 હજાર 64 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,95,43,328 થઈ ગઈ હતી.


દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા.


19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021ના રોજ, ત્રણ કરોડને વટાવી ગઈ હતી. મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં સંક્રમણને કારણે મૃત્યુના 439 કેસ નોંધાયા છે. જેમાંથી કેરળમાં 77 અને મહારાષ્ટ્રમાં 44 કેસ નોંધાયા છે.









સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે તેની વેબસાઈટ પર કહ્યું કે તેના આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે.