Waqf Board: કેન્દ્રની મોદી સરકારે હવે વક્ફ બૉર્ડની સત્તા ઘટાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર આ સંસદ સત્રમાં વક્ફ એક્ટમાં મોટા સુધારા કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, વક્ફ એક્ટમાં 40 સંશોધનના પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં પહેલા જ મંજૂરી આપવામાં આવી છે, અને આજે આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવ્યુ છે. જાણો વક્ફ બૉર્ડની મિલકતો વિશે વિગતવાર...


વક્ફ બૉર્ડ શું છે ? 
વક્ફનો અર્થ થાય છે 'અલ્લાહના નામે'. ઇસ્લામમાં તે એવી મિલકતોનો ઉલ્લેખ કરે છે જે ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે સમર્પિત છે. વક્ફની માલિકીની મોટાભાગની મિલકત ઇસ્લામમાં માનતા લોકો દ્વારા દાનમાં આપવામાં આવેલી મિલકત છે. આવી મિલકતોની જાળવણી માટે વક્ફ બૉર્ડ જવાબદાર છે. ભારતમાં બે વક્ફ બોર્ડ છે, સુન્ની વક્ફ બોર્ડ અને શિયા વક્ફ બોર્ડ. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતના વક્ફ બોર્ડ પાસે અન્ય દેશના વક્ફ બોર્ડ કરતા વધુ સંપત્તિ છે.


ભારતમાં પ્રથમ વખત વર્ષ 1954માં વક્ફ બોર્ડ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તે રદ્દ કરવામાં આવ્યો હતો. આ પછી વર્ષ 1964માં સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. તે સમયે આ પરિષદ લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ હતી.


વક્ફ બૉર્ડની શક્તિયો ક્યારે વધી 
સૌથી પહેલા વર્ષ 1995માં વકફ બોર્ડની સત્તામાં વધારો કરવામાં આવ્યો હતો. હકીકતમાં 1991માં જ્યારે બાબરી ધ્વંસ થઇ ત્યારે દેશનું વાતાવરણ બગડી ગયું હતું. તે સમયે કેન્દ્રમાં પીવી નરસિમ્હા રાવની સરકાર હતી. મુસ્લિમોને વધુ સારો સંદેશ આપવા માટે તેમણે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફારો કર્યા અને તેને જમીન સંપાદન કરવાની અમર્યાદિત સત્તાઓ આપી.


આ પછી વર્ષ 2013માં વક્ફ બોર્ડની સત્તામાં વધારો થયો. 2013 માં જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી, ત્યારે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા હતા અને તેને મુસ્લિમ ચેરિટીના નામે મિલકતોનો દાવો કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આજે કાયદા અનુસાર વક્ફ બોર્ડના નામે એકવાર મિલકત જાહેર કરવામાં આવે તો તે હંમેશા એવી જ રહેશે.


વક્ફ બૉર્ડની પાસે કેટલી સંપતિ છે 
વર્ષ 2022માં દેશના તત્કાલીન કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દેશમાં વક્ફ બોર્ડની માલિકીની કેટલી મિલકત છે. આ જવાબ મુજબ દેશમાં વક્ફ બોર્ડની કુલ 7 લાખ 85 હજાર 934 મિલકતો છે. જો આપણે મહત્તમ સંપત્તિની વાત કરીએ તો તે યુપીમાં છે. ઉત્તરપ્રદેશમાં વક્ફ બોર્ડની કુલ 2 લાખ 14 હજાર 707 મિલકતો છે. આ મિલકતોમાંથી 1 લાખ 99 હજાર 701 સુન્ની વક્ફ બોર્ડ પાસે છે અને 15006 શિયા વક્ફ બોર્ડ પાસે છે. આ પછી બંગાળ બીજા સ્થાને છે. પશ્ચિમ બંગાળમાં વક્ફ બોર્ડની 80 હજાર 480 મિલકતો છે.