નવી દિલ્લી: બલૂચિસ્તાનમાં પાકિસ્તાન અને પાક પોલીસના વધી રહેલા અત્યાચારોને લઈને બલૂચ એક્ટિવિસ્ટ્સ અને બલૂચ નાગરિકોએ જર્મનીના અલગ અલગ શહેરોમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. જર્મનીના મ્યુનિખમાં બલૂચ લોકોએ રસ્તા પર ઉતરીને હાથમાં ‘પીએમ મોદી બલૂચિસ્તાન લવ્સ યૂ’ની તસવીરો લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો.


બલૂચ લોકોએ પાકિસ્તાન પર કેમિકલ અટેક અને પાણીમાં ઝેર મિલાવવાનો આરોપ લગાવ્યો છે. જર્મનીના લિપજિગમાં ત્રણ દિવસ પહેલા પણ બલોચ લોકો પાકિસ્તાનની વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હતા. લોકો હાથમાં મોદીની તસવીર લઈને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને આઝાદીની માંગ કરી રહ્યા હતા. આ લોકોએ ભારત તરફથી બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાથી આપેલા પોતાના ભાષણમાં પીએમ મોદીએ બલૂચિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારથી બલૂચ લોકએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો છે.