દિલ્લીમાં લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલનના બે ફાટા પડ્યા હતા. જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતના આંસુઓથી ફરીથી ખેડૂત આંદોલનમાં યુ ટર્ન આવ્યો છે. મોડી રાત્રે ગાઝીપુર બોર્ડર પર ફરીથી ખેડૂતો પરત ફરી રહ્યાં છે. તો આ તરફ મોડી રાત્રે પોલીસ ફોર્સને પરત બોલાવાઈ છે.


ખેડૂત આંદોલનને લઈને આજે યુપીના મુઝફ્ફપુરનગરમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે. હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં ટ્રેકટરો સાથે ખેડૂતો ફરીથી દિલ્લી તરફ રવાના થયા છે.

હિંસાની આશંકાને પગલે સ્થાનિક પ્રશાસને પણ અલગ અલગ સ્થળો પર બેરિકેડ લગાવી લીધા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સ્પષ્ટ કહ્યું છે કે આંદોલન યથાવત રહેશે. ખેડૂતો શાંતિથી બેઠા છે. પોલીસ ગોળીઓ વરસાવીને દેખાડે.

રાકેશ ટૈકિતે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન ટિકૈત ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, “પ્રશાસન અમારી સાથે વાત કરી રહ્યું છે અને બીજી બાજુ ભાજપના ધારાસભ્યાના લોકો અમારા વૃદ્ધો પર લાકડીઓ વરસાવી રહ્યા છે. જે અમારી સાથે છે તેમની સુરક્ષાની જવાબદારી અમારી છે.”

ટિકૈતે કહ્યું કે, “ખેડૂતો સાથે ગદ્દારી કરવામાં આવી છે અને સરકારને બદમાન કરવાનો પ્રયત્ન થયો છે. તેનો ન્યાય આ જ દિલ્હીમાંથી મળશે. સમગ્ર દેશના ખેડૂતો આવશે અને આંદોલન કરશે. બે ધારાસભ્યોની અહીં શું જરૂરત હતી. ધારાસભ્યો પર કેસ નોંધવામાં આવે. ખેડૂતો પર આ લોકોએ હુમલો કર્યો છે.”