Ghulam Nabi On Congress: કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં ફરી એકવાર ઘર વાપસી કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની ચર્ચાઓ અને અહીં ભારત જોડો યાત્રાના આગમન વચ્ચે ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરી શકે તેવા અહેવાલ છે. આ અંગે વાતચીત પણ ચાલી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આઝાદે આ વર્ષે 26 ઓગસ્ટે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપીને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની રચના કરી હતી.


સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુલામ નબી આઝાદ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાજપનો મુકાબલો માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. તેઓ કોંગ્રેસની નીતિની વિરુદ્ધ નથી, પરંતુ પાર્ટીની નબળી વ્યવસ્થાથી નારાજ છે. સમાચાર એજન્સી ANIને આ આશંકા વ્યક્ત કરી છે. 


આ ટીપ્પણી બાદ ભારત જોડો યાત્રાના સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે તેમને યાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. આ પછી કોંગ્રેસમાં પરિવર્તનની માંગણી કરી રહેલા G23માં સામેલ પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા અને બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે તેમની સાથે વાત કરી હતી.






ગુલામ નબી આઝાદે આ મામલે કહ્યું કે... 


ગુલામ નબી આઝાદે સૂત્રોના દાવાને ફગાવી દીધા છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં ફરી જોડાવા અંગે ANIના પત્રકારની વાર્તા જોઈને હું ચોંકી ગયો છું. કમનસીબે કોંગ્રેસ પાર્ટીના નેતાઓના એક વર્ગ દ્વારા આવી વાર્તાઓ ફેલાવવામાં આવી રહી છે અને મારા નેતાઓ અને સમર્થકોને નિરાશ કરવા તેઓ આમ કરી રહ્યા છે.


કોંગ્રેસમાં શા માટે જોડાઈ શકે?


હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા, બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ અને અંબિકા સોનીને ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ વચ્ચે અંતરને ઘટાડવાની અને તેમને ફરી રાજી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ તારાચંદે પણ આઝાદનો સાથ છોડી દીધો હતો. આ ઘટનાને આઝાદ કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરવાના કારણ તરીકે જોવામાં આવી રહી છે.


 ભારત જોડો યાત્રાને લઈ આઝાદ કેમ મૌન? 


ગાંધી પરિવારના વિશ્વાસુ કોંગ્રેસી નેતા અંબિકા સોનીએ ગુલામ નબી આઝાદને ભારત જોડો યાત્રામાં જોડાવા કહ્યું છે. આ દરમિયાન તેમને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત કરવાનું પણ કહેવામાં આવ્યું હતું કારણ કે, તેમણે રાજીનામું આપતી વખતે રાહુલ ગાંધી પર અનેક અંગત પ્રહારો કર્યા હતા. તેઓ ભારત જોડો યાત્રામાં જોડાશે કે નહીં તેને લઈને ગુલામ નબી આઝાદે મગનું નામ મરી પાડ્યું નથી.