Ghulam Nabi Azad On Congress: ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાએ તેમની આત્મકથાના વિમોચનમાં એક પછી એક ખુલાસા અને સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યા છે. આઝાદે આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ સૂફિયાણી સલાહ આપી હતી. સાથે જ તેમણે આખરે કોંગ્રેસ કેમ છોડી તેને લઈને પણ પહેલી જ વાર ધડાકો કર્યો હતો.

કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે સનસનાટીપૂર્ણ આરોપ લગાવતા કહ્યું હતું કે, મનમોહન સિંહે રાહુલ ગાંધી સામે ઝુકવું નહોતુ જોઈતુ. કોંગ્રેસની તત્કાલીન કેબિનેટ નબળી હતી. રાહુલ ગાંધીના સસ્પેન્શનને ખોટું ગણાવતા આઝાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા વટહુકમ (અધ્યાદેશ) ફાડવો તે ખોટું હતું. જો તે કાયદો આજે અમલમાં હોત તો રાહુલનું સભ્યપદ બચી ગયું હોત.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ આઝાદે કહ્યું હતું કે, અમે વટહુકમ લાવ્યા હતા કે કોઈક સમયે તો તેનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરવામાં આવશે. કારણ કે ક્યારેક તો બીજી પાર્ટી પણ સત્તામાં આવી શકે છે. તે સમયે રાહુલ ગાંધીએ તેને ફાડી નાખ્યું. તે સમયે કેબિનેટ નબળી હતી. તત્કાલીન કેબિનેટે તેના નિર્ણય પર અડગ રહેવું જોઈતુ હતું.

"ખુદ કિએ તુમને અપની દિવારો મેં સુરાખ, અબ ..."

આઝાદે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, તમે જાતે જ તમારી દીવાલોમાં કાણાં પાડ્યા છે, હવે કોઈ ડોકિયું કરે તો શો શોરબકોર કેવો?. આઝાદે વધુમાં કહ્યું હતું કે, જ્યારે તમે કોંગ્રેસમાં હોવ છો ત્યારે તમે કરોડરજ્જુ વગરના હોવ છો. નેતાઓ રાહુલ ગાંધી સાથે સુરત કોર્ટમાં ગયા પછી પણ આઝાદે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના કારણે જ તેમણે કોંગ્રેસ છોડી. જો રાહુલ પાસે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો પાંચમો ભાગ પણ હોત તો તેઓ સફળ થયા હોત. આઝાદ પોતે યુપીએ સરકારમાં કેબિનેટ મંત્રી હતા.

"ભાજપની પણ થઈ શકે છે કોંગ્રેસ જેવી જ હાલત"

આઝાદે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, અમે 24 કલાક ઉઠ્યા બાદ પીએમ મોદી અને બીજેપીને જ ગાળો આપીએ છીએ. વિદેશ નીતિમાં દુનિયા આખી નિષ્ફળ ગઈ છે, પરંતુ ભારત સફળ થયું છે. જોકે ભાજપે પણ કેટલીક બાબતોમાં સુધારો કરવો પડશે, નહીં તો તેની હાલત પણ કોંગ્રેસ જેવી જ થઈ શકે છે. વિધાનસભાઓમાં તોડફોડ કરવાની પ્રક્રિયા બંધ કરવી પડશે.

ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોમાં કેટલીક ખામીઓ છે, કોંગ્રેસમાં પણ કેટલીક ખામીઓ છે. હું આશા રાખું છું કે, કોંગ્રેસ પાર્ટી એ ભૂલોને સુધારે, આગળ વધે અને રાષ્ટ્રીય પક્ષની ભૂમિકા ભજવે.