નવી દિલ્હીઃ ગો ફર્સ્ટની બેંગલુરુ-દિલ્હી ફ્લાઇટ 50 મુસાફરોને લીધા વિના ઉડી ગઇ હતી. આ 50 મુસાફરોએ ચેક ઇન અને બોર્ડિંગ વગેરેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. તેમ છતાં GoFirst ફ્લાઇટે આ 50 મુસાફરોને લીધા વિના બેંગલુરુથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. ગો ફર્સ્ટ આ મામલે આંતરિક તપાસ કરી રહી છે. આ ઘટના ગઈકાલે બની હતી. ગો ફર્સ્ટ આ તમામ 50 મુસાફરોને બેં અન્ય ફ્લાઇટમાં દિલ્હી મોકલ્યા હતા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ સમગ્ર મામલે ગો ફર્સ્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ બાદ DCGA ગો ફર્સ્ટ પર જરૂરી કાર્યવાહી કરી શકે છે.
આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા મુસાફરો ટ્વિટર પર એરલાઈન્સ પાસેથી જવાબ માંગી રહ્યા છે. તેમાંથી ઘણા લોકોએ તેમની ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ટેગ કર્યા છે. GoFirstએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. બેંગલુરુ એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોમાંથી એકે લખ્યું કે ફ્લાઈટ G8 116 (BLR – DEL) મુસાફરોને એરપોર્ટ પર છોડીને ઉડી ગઇ હતી.
મુસાફરોના ટ્વીટનો જવાબ આપતા GoFirst એરલાઈને મુસાફરોને તેમનો PNR, સંપર્ક નંબર અને ઈમેલ આઈડી આપવા કહ્યું હતું. જેથી GoFirst એરલાઈનની ટીમ આ બાબતે તપાસ કરી શકે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ફ્લાઈટમાં મુસાફરો સાથે દુર્વ્યવહારના ઘણા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણી એરલાઈન્સ આ મામલે તપાસનો સામનો કરી રહી છે. ફ્લાઇટમાં ગેરવર્તણૂકની અનેક ઘટનાઓ સામે આવી છે.