Amit Palekar Arrested In Road Rage Case:  ગોવા આમ આદમી પાર્ટીના પ્રમુખ અમિત પાલેકરની ગુરૂવારે (31 ઓગસ્ટ) ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બનાસ્ત્રી રોડ રેજ કેસમાં પુરાવા સાથે ચેડા કરવાના આરોપમાં પાલેકરની ધરપકડ કરવામાં આવી છે. અમિત પાલેકર 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં AAP ના મુખ્ય પ્રધાન પદનો ચહેરો હતા.


 






સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં પણજી પાસે એક મર્સિડીઝ કારે ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમિત પાલેકરને પણજીમાં તેમની ઓફિસમાંથી અટકાયત કરવામાં આવી હતી. પોતાની ધરપકડ અંગે પાલેકરે કહ્યું કે, આ ગંદી રાજનીતિ છે. મારે આ ગુના સાથે કોઈ લેવાદેવા નથી.


અધિકારી સામે ખોટા માણસને રજૂ કર્યો


રિપોર્ટ અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત સમયે કાર ચલાવી રહેલા મુખ્ય આરોપીને બચાવવા માટે પાલેકરે કેસની તપાસ કરી રહેલા અધિકારીની સામે એક ખોટા વ્યક્તિને કારના ડ્રાઈવર તરીકે રજૂ કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પાલેકરની ભારતીય દંડ સંહિતાની કલમ 201 (ગુનાના પુરાવાનો નાશ કરવા અથવા ગુનેગાર વિશે ખોટી માહિતી આપવી) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.


ભાજપ પર આ આરોપ લગાવ્યો


પોલીસ દ્વારા લઈ જવાતી વખતે પત્રકારો સાથે વાત કરતા, પાલેકરે એવો પણ દાવો કર્યો હતો કે તેમને થોડા દિવસો પહેલા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. કોઈનું નામ લીધા વિના પાલેકરે કહ્યું કે, મને કહેવામાં આવ્યું હતું કે જો તમે અમારી વાત નહીં માનો તો અમે તમને પાઠ ભણાવીશું.


શું હતો મામલો?


પીટીઆઈના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટ ફર્મના માલિક પરેશ સાવરડેકરે 7 ઓગસ્ટના રોજ પણજી નજીક બનાસ્ત્રીમાં તેની મર્સિડીઝ કાર સાથે પાંચ વાહનોને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પરેશ નશાની હાલતમાં ગાડી ચલાવતો હતો.